શહેરમાં આર્થિક તણાવ અને કામકાજની મંદીને કારણે માનસિક દબાણમાં આવી યુવાનો દ્વારા આત્મઘાતી પગલાં ભરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ભગવતીપરા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માધવ મેન પાવર સોલ્યુશનમાં મેનેજર તરીકે નોકરી કરતા તુષારભાઈ જોશીએ કામ બરાબર ન ચાલતું હોવાના ટેન્શનમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ભગવતીપરાની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા તુષારભાઈ દુર્ગાશંકરભાઈ જોશી (ઉ.વ. 36) ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોરબી રોડ જકાતનાકા પાસે હતા, ત્યારે તેમણે અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા તેમને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.તુષારભાઈ છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયિક મોરચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેઓ જે કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે ત્યાં કામકાજ બરાબર ચાલતું ન હોવાથી તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. આ આર્થિક અને વ્યાવસાયિક ચિંતામાં તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
તુષારભાઈ બે ભાઈ અને એક બહેનના પરિવારમાં બીજા નંબરના છે અને તેમને સંતાનમાં એક દીકરો છે. ઘરના જવાબદાર વ્યક્તિ દ્વારા ભરાયેલા આ પગલાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. હાલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
