જસદણ તાલુકાના કનેસરા ગામે એક 25 વર્ષીય આશાસ્પદ યુવકે કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂૂપ થતો આ યુવક ત્રણ ભાઇમાં સૌથી મોટો હતો. યુવકે આ પગલું શા કારણે ભરી લીધું એ કારણ જાણવા પોલીસે કવાયત શરૂૂ કરી છે તો બીજી તરફ યુવકનો ફોન ગૂમ થઇ જતાં ઘટનાનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
કનેસરા ગામના રહેવાસી હિતેશભાઈ ભોળાભાઈ બાવળીયા (ઉંમર વર્ષ 25) એ ગામની સીમમાં આવેલા બાવળના ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. હિતેશભાઈ વ્યવસાયે ઇમિટેશનના કામ સાથે જોડાયેલા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂૂપ થતા હતા. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા અને હજુ અપરિણીત હતા.
જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલ ગુમ થવાને કારણે આ આત્મહત્યા પાછળ કોઈ ગંભીર કારણ હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ ભાડલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ભાડલા પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી કનેસરા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
