રાજકોટમાં આવેલા કોઠારીયા ગામે કાકાના લગ્નના આગલા દિવસે ખોખડદળ ગામે રાત્રીના સમયે સમૂહલગ્નમાં જઇ રહેલા યુવકનું બિલ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોઠારીયા ગામે રહેતો ભાવેશ નિલેશભાઈ ધાડવી નામનો 19 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ખોખરદળ ગામે કોળી સમાજના સમુહ લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે કોઠારીયા ગામ નજીક બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ભાવેશ ધાડવી બે ભાઈમાં મોટો હતો અને રવિવારના રોજ કાકા જયેશભાઈ ધાડવીના લગ્ન હતા અને કાકાના માંડવા મુહરતના દિવસે રાત્રીના સમયે ખોખરદળ ગામે કોળી સમાજના સમુહ લગ્નમાં હાજરી આપવા જતો હતો ત્યારે સર્જાયેલો અકસ્માત જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.