શહેરની ભાગોળે માધાપર બેડી બાયપાસ રોડ પર રોણકી ગામે વાડીમાં કામ કરતાં શ્રમિક યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મુળ દાહોદનાં અને હાલ રોણકી ગામે રઘાભાઈની વાડીમાં મજુરી કામ કરતો સંદીપ સુરેશભાઈ બારીયા (ઉ.19) યુવાને આજે સવારે વાડીએ ઘાસમાં છાંટવાની જંતુનાશક દવા પી જતાં તેને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પાંચ ભાઈમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમા કોઠારીયા રોડ પર મહેશ્ર્વર સોસાયટીમાં રહેતા મયુર વિજયભાઈ ટાંક (ઉ.35) નામનો યુવાન બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક એ બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેને વર્ષોથી મગજની તકલીફ હોય બિમાર રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.
