સોખડા ચોકડી નજીક શ્રમિક યુવાનનું અકસ્માત સબબ મોત

શહેરની ભાગોળે મોરબી બાયપાસ હાઈ-વે પર આવેલી સોખડા ચોકડી નજીકથી શ્રમિક યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક પરપ્રાંતિય યુવાન કારખાનેથી સાયકલ લઈ ઘરે જવા નીકળ્યા…

શહેરની ભાગોળે મોરબી બાયપાસ હાઈ-વે પર આવેલી સોખડા ચોકડી નજીકથી શ્રમિક યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક પરપ્રાંતિય યુવાન કારખાનેથી સાયકલ લઈ ઘરે જવા નીકળ્યા બાદ સોખડા ચોકડી નજીક પુલ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉતરપ્રદેશનો વતની અને હાલ સોખડા ગામે રહી કારખાનામાં કામ કરતો માયારામ સુબેદાર ચૌહાણ (ઉ.40) નામનો યુવાન આજે વહેલી સવારે કારખાનેથી સાયકલ લઈ ઘરે આવવા માટે નીકળ્યો હતો.

દરમિયાન બેડી ચોકડીથી આગળ સોખડા ચોકડી નજીક પુલ નીચેથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક માયારામ બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તે સાયકલ લઈ ઘરે આવવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં કોઈ વાહનની ઠોકરે ચડી જતાં અથવા સાયકલ ઉપરથી કાબુ ગુમાવતાં પુલ નીચે પડી ગયાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *