પ્રેમિકાને અન્ય યુવક જોવા આવતાં લાગી આવવાથી ભરેલું પગલું : સારવારમાં
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં નોકરી કરતાં લેબોરેટરી આસિસ્ટન્ટ યુવાને કોલેજની લેબોરેટરીમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમિકાને અન્ય યુવક જોવા આવતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં ચંદન પાર્ક મેઈન રોડ પર પેરેડાઈઝ હોલ પાસે રહેતો ચિરાગ નિલેશભાઈ પંડયા (ઉ.25) નામનો યુવાન ભાવનગર હાઈ વે પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. આજે સવારે તે યુનિવર્સિટીની લેબોરેટરીમાં હતો ત્યારે તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ચિરાગ એક ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત છે. વધુ તપાસમાં તેને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.
પરંતુ યુવતીના માતા પિતાને આ પ્રેમ સંબંધ મંજુર ન હોય જેથી આજે યુવતીને જોવા માટે અન્ય યુવક આવતાં તેણે લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
