કાલે સવારે 9 વાગ્યાથી શહેરમાં 6 જગ્યાએ મતગણતરી

18 વોર્ડના 72 ઉમેદવારોના ભાવિ ખુલશે, 14 ટેબલ પર ત્રણ-ત્રણ કર્મીઓ કાઉન્ટિંગ કરશે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓનું મતદાન ગઈકાલે યોજાયા બાદ મતગણતરી આવતીકાલે 28…

18 વોર્ડના 72 ઉમેદવારોના ભાવિ ખુલશે, 14 ટેબલ પર ત્રણ-ત્રણ કર્મીઓ કાઉન્ટિંગ કરશે

રાજકોટ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓનું મતદાન ગઈકાલે યોજાયા બાદ મતગણતરી આવતીકાલે 28 એપ્રિલ 2026ના રોજ સવારના 9 વાગ્યાથી યોજાશે. મતગણતરી માટે એક હોલ વધુમાં વધુ 14 ટેબલ રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ દરેક ટેબલ પર ત્રણ કર્મીઓનો સ્ટાફ તૈનાત રહેશે. દરેક જગ્યાએ જાળી વાળા બેરીકેટ તૈયાર કરવામાં આવશે અને જેને લઇ આરઓ-એઆરઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટેના ઓર્ડરો પણ કાઢી નાખવામાં આવ્યા છે.

મતગણતરી દિવસે વીડિયોગ્રાફી અને ઉમેદવારો/એજન્ટ્સની હાજરીમાં પ્રક્રિયા થશે.અને તે માટે પોલીસ અને સીઆરપીએફ જવાનોનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે તે માટે કાલથી કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવશે. રાજકોટ મ્યુ. કોર્પો.ની 18 વોર્ડની ચૂંટણી માટે વોટીંગ મશીન (ઇવીએમ)ના ડીસ્પેચીંગથી લઇ મતગણતરી માટે છ સેન્ટરો નિયત કરી દેવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. 1 થી 3ની મતગણતરી પાંધી કોલેજ ખાતે યોજાશે. જ્યારે વોર્ડ નં. 7 થી 9ની મત ગણતરી વિરાણી હાઇસ્કૂલ ખાતે થશે.

આ ત્રણ વોર્ડના વોટીંગ મશીનના ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટર પણ ચૌધરી હાઇસ્કૂલ રાખવામાં આવેલ છે.તેમજ વોર્ડ નં.7 થી 9ની મત ગણતરી વિરાણી સ્કૂલ ખાતે વોર્ડ નં. 10 થી 12ની મતગણતરી એવીપીટી કોલેજ, વોર્ડ નં.13 થી 15ની મતગણતરી જસાણી હાઇસ્કૂલ (ગોંડલ રોડ) અને વોર્ડ નં. 16 થી 18ની મતગણતરી રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ખાતે થશે. 26મીએ મતદાન બાદ સોમવારે બપોરે તમામ મતગણતરીનો સ્ટાફ જેતે સ્થળે હાજર થઇ જશે અને 28મીએ મંગળવારે સવારથી મતગણતરી ચાલુ થયા બાદ એક બાદ એક વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે એટલે 28મીએ સાંજે જ ચિત્ર સ્પષ્ટ થશે.

તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની મતગણતરી સરકારી પોલિટેક્નિક ખાતે થશે
રાજકોટ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની છ બેઠકની મતગણતરી આવતીકાલે સવારે ગર્વમેન્ટ પોલિટેક્નિક, ભાવનગર રોડ ખાતે થશે તેમજ પડધરી, લોધીકા અને કોટડા સાંગાણીની છ બેઠકોની મતગણતરી પડધરીની સરકારી કોલેજ ખાતે થશે.

કાઉન્ટિંગ સેન્ટર ખાતે ચુસ્ત બંદોબસ્ત, વિજય સરઘસ માટે સ્થળ ઉપરથી જ મંજૂરી અપાશે
અલગ અલગ છ મતગણતરી કેન્દ્ર ખાતે 4 પીએસઆઇ અધિકારીના નિરીક્ષણ હેઠળ 1500થી વધુ પોલીસ તૈનાત રહેશે
મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે. રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ કૂલ 236 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ માં કેદ થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં છ જેટલા કાઉન્ટિંગ સેન્ટરો નિર્ધારિત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશ અને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ 6 કાઉન્ટિંગ સેન્ટરો પર 4 આઈપીએસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ 1500થી વધુ પોલીસનો લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેન્ટરોની આસપાસના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા હોય છે, એક તરફ ચુંટણીને લઇને પોલીસ કમિશ્નર દ્વારા મંજુરી વિના સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ હોય ત્યારે વિજય સરઘસ ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો ઉભા ન થાય તે માટે આ બાબતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિજેતા ઉમેદવારોને જે-તે કાઉન્ટિંગ સેન્ટર ખાતેથી જ વિજય સરઘસ માટેની પોલીસ મંજૂરી મળી રહે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *