ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…

તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી તેની હત્યા નીપજાવાઇ હતી.

બનાવ અંગે ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મચ્છુનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રિના ભાગે હત્યાનો આ બનાવ બન્યો હતો. ફરિયાદી નીતાબેન રાજુ મકવાણા પોતાની દીકરી, માતા-પિતા, ભાઇ ભરત અને બહેનો દક્ષા તથા મીના સાથે અહીં રહે છે. ફરિયાદીથી નાની એવી દક્ષાની સાત વર્ષ અગાઉ રાપર તાલુકાના ટીંડલવાના જીવણ વીરા જાટ (કોળી) સાથે સમાજના રીત-રિવાજ મુજબ સગાઇ કરવામાં આવી હતી. જે-તે વખતે દક્ષાની ઉંમર નાની હોવાથી લગ્ન કરાવાયાં નહોતાં. આગામી વૈશાખ મહિનામાં દક્ષા અને જીવણનાં લગ્ન ગોઠવેલાં હતાં, પરંતુ દક્ષાના સાસરી પક્ષને દક્ષા અને જીવણનાં લગ્ન પસંદ ન હતાં જે અંગે આ પરિવારો વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલુ હતો.

દરમ્યાન, ગઇકાલે રાત્રે ફરિયાદી અને તેના પરિવારજનો ઘરે હાજર હતા તેમજ દક્ષા ઘરની બહાર બેઠી હતી તેવામાં રાડારાડ થતાં બધા ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે દક્ષાની નણંદ ચંપાનો પતિ વિપુલ દયાળ કોળી તથા હિતેશ કચરા રાઠોડ અને પ્રેમજી જોધા કોળી આ યુવતીને ગાળો આપી રહ્યા હતા અને વિપુલે મારી પત્નીના ફોટો કેમ વાયરલ કરે છે તેમ કહી છરી કાઢી ક્રૂરતાપૂર્વક ઉપરાઉપરી ઝીંકી દીધી હતી. અન્ય બંને શખ્સે આ યુવતીને પકડી રાખી હતી તેવામાં હેમંત વચ્ચે છોડાવવા જતાં વિપુલે તેના માથાંમાં છરી મારી હતી.

ગંભીર ઇજાઓનાં કારણે દક્ષા પડી જતાં અને રાડારાડ થતાં આરોપીઓ નાસવા લાગ્યા હતા. નાસતી વેળાએ વિપુલ ગટરમાં પડી જતાં તેને ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. યુવતીના પેટ, પીઠ, હાથ, પગમાં આડેધડ 17 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. લોહી નીંગળતી હાલતમાં તેને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. નાસવા જતાં પડી જતાં વિપુલને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. તે તથા પ્રેમજીને રાઉન્ડઅપ કરી લેવાયો છે તથા હિતેશને પકડી પાડવા કવાયત હાથ ધરાઇ હોવાનું પી.આઇ. એસ. વી. ગોજિયાએ જણાવ્યું હતું. ક્રૂરતાપૂર્વકની હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *