કહેવાય છે કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે છે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના-ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખાં પર પસંદગી ઉતારી છે. રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9મી તારીખની મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં, પણ માત્ર બૂટ-ચપ્પલ ચોરવા માટે જ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો હતો. તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મુકેલા શૂ-કેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખાં નહીં, પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ-ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખાં તેણે ત્યાં જ છોડી દીધા હતા. માત્ર એક કલાકના સમયગાળામાં તેણે બે મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો.ઘટનાની જાણ સોસાયટીના રહીશોને સવારે થઈ જ્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા. ઘરઆંગણેથી પગરખાં ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો હતો. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
