મહિલા દુકાનદાર પાસેથી તસ્કરે રૂા.10ની પાણીની બોટલ લઈ 1 લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો

રાજકોટ શહેરના થોરાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીક આજી નદીના કાંઠે રાવણ ચોક ખાતે એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી…

રાજકોટ શહેરના થોરાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીક આજી નદીના કાંઠે રાવણ ચોક ખાતે એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. ટાઇગર મેલડી માના મંદિર સામે નાની કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 65 વર્ષીય વૃદ્ધા રંજનબેન અમૃતભાઈ પાટડીયા પોતાની દુકાને હાજર હતા, તે દરમિયાન બપોરના આશરે એક વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક તેમની દુકાને આવ્યો હતો. આ આશરે 20 વર્ષની વયના યુવકે ખૂબ તરસ લાગી હોવાનું કહી દસ રૂૂપિયાવાળી પાણીની બોટલ માંગી હતી અને પાણી પીધા બાદ પૈસા આપવાનું વચન આપ્યું હતું. વૃદ્ધાએ માનવતા દાખવીને તેને પાણીની બોટલ આપી હતી.

અજાણ્યા શખ્સે પાણી પી લીધા બાદ જ્યારે રંજનબેને તેની પાસે પાણીની બોટલના દસ રૂૂપિયા માગ્યા ત્યારે આ યુવકે અચાનક રંજનબેનના ગળામાં પહેરેલી આશરે બે તોલા વજનની સોનાની ચેઇન પર આંચકો માર્યો હતો. કિંમતી સોનાની ચેઇન, જેની કિંમત આશરે રૂૂ. 1,00,000/- થાય છે, તે ઝૂંટવીને અજાણ્યો આરોપી વિજળીક વેગે દોડીને કુબલીયાપરા વિસ્તાર તરફ ભાગી છૂટ્યો હતો.

રંજનબેને તુરંત જ બૂમાબૂમ કરી તેની પાછળ દોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હાથમાં આવ્યો નહોતો. આ અંગે તેમણે પરિવારજનોને જાણ કરી હતી અને પ્રાથમિક તબક્કે પોતે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.પોતાની રીતે શોધખોળ કર્યા બાદ પણ અજાણ્યો તસ્કર ન મળી આવતાં આખરે રંજનબેન પાટડીયાએ થોરાલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *