RMCના પ્લોટ સિઝનલ ધંધાર્થીઓને ભાડે આપવા માટે હવેથી થશે ટેન્ડર પ્રક્રિયા

રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ સિઝનલ ધંધા માટે ભાડે આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સિઝનલ ધંધાર્થીઓ પાસેથી અરજીઓ મગાવીને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા અમલમાં…

રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ સિઝનલ ધંધા માટે ભાડે આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સિઝનલ ધંધાર્થીઓ પાસેથી અરજીઓ મગાવીને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા અમલમાં હતી, પરંતુ હવે આ અરજી પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી છે. પ્લોટ માત્ર ટેન્ડર બહાર પાડીને જ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી પારદર્શિતા વધશે અને મહાનગરપાલિકાની તિજોરીને થતી સંભવિત આવકની ખોટ અટકાવી શકાશે.

અગાઉ અરજીઓ મગાવીને જ્યારે હરાજી યોજવામાં આવતી હતી, ત્યારે પ્લોટ ભાડે લેવા માંગતા આસામીઓ વચ્ચે અંદરોઅંદર રિંગ એટલે કે આંતરિક સેટિંગ થઈ જતું હતુ. આ પ્રકારની રિંગ રચાઈ જવાને કારણે વાસ્તવિક બજાર કિંમત કે યોગ્ય ભાડું મળતું નહોતું અને પરિણામે મહાનગરપાલિકાને આવકમાં સીધું નુકસાન સહન કરવું પડતું હતું. લાંબા સમયથી ચાલી આવતા આ પ્રકારના રિંગના દૂષણને કાયમી ધોરણે ડામવા માટે તંત્ર દ્વારા નિયમોમાં સુધારો કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ હવે દરેક પ્લોટનું નિયત ભાડું નક્કી કરવામાં આવશે અને તે મુજબની ચોક્કસ અપસેટ પ્રાઇઝ સાથે જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં જો કોઈ એકથી વધુ પાર્ટીના ભાવ એક સરખા ખુલે, તો તેવા વિશિષ્ટ કિસ્સામાં હરાજી કરવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી શ્રેષ્ઠ અને વાજબી દર મળી શકે. આ નવી વ્યવસ્થા હેઠળ વિવિધ સિઝનલ ધંધા જેવા કે મસાલા માર્કેટ, ફટાકડાના વેચાણ, પતંગ-દોરાના સ્ટોલ, ચીકીના વેચાણ, ધુળેટીના તહેવાર પર કલર-પિચકારીના વેચાણ તેમજ આવા અન્ય સિઝનલ ધંધા માટે પ્લોટ હવે ફરજિયાતપણે ટેન્ડર પ્રક્રિયા મારફતે જ ભાડે આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *