સુરતમાં સ્કૂલની ફેરવેલ પાર્ટી પહેલાં નબીરાઓએ રેલી કાઢી રસ્તા ઉપર કર્યો તમાસો
સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓે આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી. તો બીજી તરફ આ વીડિયો વાઈરલ થતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડિઝ, બીએમડબ્લ્યુ જેવી 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
મંત્રીનો પણ ન હોય એવડો કાફલો! સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોનો હોય છે. જો કે, તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર નથી હોતી. સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે. આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી. પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે, અમને આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે, તો તપાસ કરીશું.