શહેરમાં રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ અને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા રાજુભાઈ લાભુભાઈ સોજીત્રા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે એસિડ અને ફિનાઈલ પી લીધું હતું પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ સોજીત્રાને સંતાનમાં એક પુત્ર છે અને રાજુભાઈ સોજીત્રા ખેતી કામ અને જમીન મકાન લે વેચનું કામ કરે છે રાજુભાઈ સોજીત્રાએ ધંધો નહીં ચાલતા એસિડ અને ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
કોઠારીયા ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી લીલુબેન કાનાભાઈ ભુરીયા નામની 16 વર્ષની સગીરા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
