ધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો

ધ્રોલ નજીક સોયલ ટોલનાકે એક વર્ષ પૂર્વે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી હત્યાનો…

ધ્રોલ નજીક સોયલ ટોલનાકે એક વર્ષ પૂર્વે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી એક યુવાન પર કાર ચઢાવી દેવામાં આવી હતી. એક યુવતીના અપહરણ માટે આ શખ્સો કારસો કરતા હતા. તેને સમાધાન માટે બોલાવાતા તેઓએ હુમલો કરી કર્યો હતો જે માં સંડોવાયેલ અને એક વર્ષથી ફરાર રાજકોટના શખ્સને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ ધ્રોલ પોલીસ હવાલે કર્યો હતો.

મળતી વિગતો મુજબ જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામના ટોલનાકે એક વર્ષ પૂર્વે માથાકૂટ થઇ હતી જેમાં જામનગરના રામેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં વસવાટ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા મહેન્દ્રસિંહ જેઠવા તથા ધનરાજસિંહ, જીતેન્દ્રસિંહ નામના ત્રણ યુવાન ઘવાયા છે. દિવ્યરાજસિંહના મોટા માંઢામાં રહેતા માસીના દીકરાની પુત્રીને રાજકોટનો મયુરસિંહ રાણા નામનો શખ્સ અવારનવાર પજવતો હતો. તે પછી આ યુવતીને ઉપાડી જવા માટે મયુરસિંહ તજવીજ કરતો હોવાની અને બોલેરો લઈને માંઢા ગામે આવ્યો હોવાની જાણ થતાં તેના સમાધાન માટે બંને પક્ષ સોયલ ટોલનાકે એકઠા થયા હતા.

જેમાં ચાર જુદી જુદી મોટરમાં ધસી આવેલા મયુરસિંહ, વિક્રમસિંહ રાણા અને દસથી બાર જેટલા અજાણ્યા શખ્સોએ તલવાર, પાઈપ, ધોકા વડે દિવ્યરાજ તેમજ સાથે રહેલા ધનરાજસિંહ તથા જીતેન્દ્રસિંહ પર હુમલો કરી દિવ્યરાજસિંહ ઉપર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ધનરાજસિંહના માથામાં પણ તલવાર વીંઝવામાં આવી હતી અને જીતેન્દ્રસિંહને માથામાં પાઈપ મારવામાં આવ્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આઠ જેટલા આરોપીની ધરપકડ કરી હતી. આ ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી ફરાર રાજકોટ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર, શેરી નં.-5, રામદેવપીરના મંદીર પાસે રહેતા જયેશભાઇ ઉર્ફે બાબુભાઇ બારોટ નાથાભાઇ રાઠોડ (ઉવ.25)ની રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપડક કરી ધ્રોલ પોલીસ હવાલે કરાયો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ક્રાઇમ ભરત. બી. બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમના પીએસઆઈ એ.એન.પરમાર, એ.એસ.આઇ. હીતેન્દ્રસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુરભાઇ સબાડ, મયુરસિંહ જાડેજા, મોહીલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *