બગદાણાના યુવક પર હુમલામાં માયાભાઇના પુત્રને બચાવવાનો ખેલ?

ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવતા જ પી.આઇ.ની બદલી, સોમવારે મુખ્યમંત્રીને મળશે જયરાજ આહીરે ષડયંત્ર રચ્યાનો ભોગ બનનારનો આરોપ, કેસ ડાઈવર્ટ કરવાની કોઇ વાત જ નથી:…

ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવતા જ પી.આઇ.ની બદલી, સોમવારે મુખ્યમંત્રીને મળશે

જયરાજ આહીરે ષડયંત્ર રચ્યાનો ભોગ બનનારનો આરોપ, કેસ ડાઈવર્ટ કરવાની કોઇ વાત જ નથી: એસ.પી.ની સ્પષ્ટતા

બગદાણા આશ્રમના સેવક ઉપર ફિલ્મી ઢબે કરવામાં આવેલ હુમલાના પ્રકરણમાં પોલીસે લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્રને બચાવવા આખી સ્ટોરી જ બદલી નાખ્યાની શંકાના આધારે બગદાણાના પી.આઇ. ડી.વી. ડાંગરની તાબડતોબ લીવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી છે તો હવે આ મામલે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે અને સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસની માંગણી કરી છે. સાથો સાથ સોમવારે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવાની જાહેરાત કરતા ગરમાવો આવી ગયો છે.

મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધિયા પર ગત તા.29-12ની મોડી રાત્રિના મહુવાના મોણપર ગામ નજીક આઠ શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં આઠ અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધાયો હતો. પીડિત યુવક નવનીતભાઈ એ બગદાણા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યાં હતા. બીજી તરફ દારૂૂના અને માટીના ધંધાની બાતમી આપ્યાની શંકાએ આઠ શખ્સોએ નવનીતભાઈ પર હુમલો કર્યો હોવાનું મહુવા ઈન્ચાર્જ ડીવાયએસપીએ જણાવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલા આઠેય આરોપીઓને ઝડપી લઈ ક્રાઈમ રિ-ક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત આ મામલે રાજકારણ ગરમાતા જિલ્લા પોલીસવડાએ ખાતાકીય કારણ ધરીને તાત્કાલિક અસરથી બગદાણા પીઆઈ ડી.વી.ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે આ કેસની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપવામાં આવી છે.

ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેષ પાંડેયે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ, સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી કેમેરાના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.

બીજી તરફ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ નવનીત બાલધિયાની મદદે કોળી સમાજના આગેવાને અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી. આ મામલે યોગ્ય તપાસ માટે હીરા સોલંકીએ અન્ય કોળી સમાજના ધારાસભ્યોને સાથે રાખી સોમવારે ગાંધીનગર હર્ષ સંઘવીને રજૂઆત કરવાની જાહેરાત કરી છે. નવનીત બાલધિયા સાથે મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતું કે, હું એવું કરીને જવાનો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે. સાથે કહ્યું હતું કે, આ મામલામાં પોલીસ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ ન કરે.

બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.

મોબાઇલનો ડેટા ચેક કરવામાં આવે
સોશિયલ મીડિયામા સૌથી વધુ હુમલો અને પોલીસ નિવેદન ને લઈ મેસેજીસ સતત વહેતા રહ્યા. જેમાં ખરા અર્થમાં ન્યાય માટે આરોપીઓએ હુમલો કર્યા પહેલાના તમામના મોબાઈલ લોકેશન,હુમલો કર્યા બાદના મોબાઈલ લોકેશન, છેલ્લા 24 કલાક દરમિયાન આરોપીઓના તમામના મોબાઈલ કોલ ડેટા અને સીડીઆર ચેક કરવામાં આવે જેથી આરોપીઓએ ક્યારે, કોની કોની સાથે વાત કરી તે બાબતના પુરાવાઓ મળી જશે. ઘટનામાં જે કોઈ સંડોવાયેલ હશે તે આજે ટેકનોલોજીના યુગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.પીડિત અને સમાજના લોકોને પણ પોલીસે ન્યાય અપાવ્યાની લાગણી ફેલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *