વિંછીયામાં સોશીયલ મીડિયા પર બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર શખ્સ સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. વિંછીયા તાલુકાના દેવધરી ગામના એક શખ્સ દ્વારા સોશીયલ મીડિયાના માધ્યમથી બે જ્ઞાતિઓ વચ્ચે દ્વેષ અને ઉશ્કેરાટ ફેલાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વિંછીયા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મનોજભાઇ ગોરધનભાઇ ડાભી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, દેવધરી ગામના રહેવાસી હરજીભાઈ બાવળીયા નામના શખ્સે પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં કોળી અને ભરવાડ જ્ઞાતિઓ વચ્ચે તેમજ અન્ય વર્ગો વચ્ચે પરસ્પર વેરઝેર અને દ્વેષની લાગણી જન્મે તેવું વાંધાજનક લખાણ કે બોલીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.આરોપીનો મુખ્ય ઉદ્દેશ્ય સોશીયલ મીડિયા દ્વારા સમાજમાં અશાંતિ ફેલાવવાનો, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઊભું કરવાનો અને લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વિંછીયા પોલીસે આરોપી હરજીભાઈ બાવળીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(ક), 352, અને 353(2) મુજબ ગુન્હો દાખલ કર્યો છે. આ કલમો હેઠળ બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ સજાની જોગવાઈ છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પી.આઈ ડામોરને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરવાની અને વિડિયો પાછળના અન્ય હેતુઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશીયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો. કોઈપણ જ્ઞાતિ કે ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ કે વિડિયો મૂકવો એ કાયદેસરનો ગુન્હો છે અને આવા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે તેવું સ્પષ્ટ જણાય છે.
