શહેરમાં તાજેતરમાં એક બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને હવે રાજકીય ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી આરોગ્ય વિભાગની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. જોકે, આ અભિનંદન સાથે જ કાનાણીએ સરકારની કામગીરીની પદ્ધતિ સામે કટાક્ષ કરતાં અનેક સવાલો પણ ઉઠાવ્યા છે.
પત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું અને કામગીરી હાથ ધરવામાં આવી તે બાબત આવકારદાયક છે. પરંતુ સાથે જ તેમણે એવી રજૂઆત કરી છે કે, માત્ર ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે નહીં. કાયદો કડક હોવો જોઈએ અને તેનો અમલ પણ પ્રામાણિકતા તથા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર થવો જોઈએ. પત્રમાં તેમની પાસે આવેલી એક કથિત ઓડિયો ક્લિપનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઓડિયો ક્લિપમાં એક રેસ્ટોરન્ટના માલિકે ઘટનાને લઈને ઉપરથી એક દિવસ માટે હોટલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દાને આધારે પૂર્વ આરોગ્ય મંત્રીએ સરકારની કાર્યવાહી સામે કટાક્ષ કર્યો છે. તેમનો સવાલ છે કે, જો કાર્યવાહી માત્ર ઘટનાના પગલે એકાદ દિવસ માટે કરવામાં આવે અને ત્યારબાદ સ્થિતિ ફરી યથાવત થઈ જાય તો આવી કાર્યવાહીનો વાસ્તવિક હેતુ શું રહેશે?
કાનાણીએ સરકારને વિનંતી કરી છે કે, આરોગ્ય સંબંધિત કાયદા અને નિયમો માત્ર કાગળ પર ન રહે, પરંતુ તેનો અસરકારક અને ઈમાનદારીપૂર્વક અમલ થાય. નિયમોનો ભંગ કરનાર સામે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી થાય તે જરૂૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
