ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત અભદ્ર, ભ્રામક અને વિવાદિત ટિપ્પણી કરનાર મુકેશ ગુજરાતી મામલે ભાજપે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ વિવાદિત પોસ્ટને 6 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પક્ષ તરફથી કોઈ પગલાં ન લેવાતાં વકીલ આલમ અને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા હતા.
આ મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, મુકેશ ગુજરાતી ભાજપમાં કોઈ હોદ્દો ધરાવતા નથી તેમજ તેઓ પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. તેમના તમામ નિવેદનો વ્યક્તિગત હોવાથી પક્ષને તેની સાથે કોઈ લેવાદેવા નથી, જેથી પક્ષ તરફથી શિસ્તભંગની કાર્યવાહી કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જોકે, વર્ષ 2024માં ભાજપના સદસ્યતા અભિયાનમાં મુકેશ ગુજરાતી ટોપટેનમાં આવ્યા હોવાના જૂના પોસ્ટર વાયરલ થયા છે.ન્યાયતંત્ર પર થયેલા આ શાબ્દિક હુમલા બાદ સમગ્ર વકીલ મંડળો ન્યાયતંત્રની ગરિમા અને સન્માન જાળવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને આ વિવાદિત ટિપ્પણી સામે સખત ઠરાવ પસાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે ’ધી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન’ પણ ખુલ્લેઆમ મુકેશ ગુજરાતી સામે મેદાને પડ્યું છે અને સત્તાવાર પત્ર પાઠવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને પત્રમાં મુકેશ ગુજરાતી દ્વારા ઉપયોગમાં લેવાયેલી હલકી કક્ષાની ભાષાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. મુકેશ ગુજરાતીએ ટિપ્પણી કરી હોવાથી વકીલ મંડળે જણાવ્યું કે આ પ્રકારની ભાષા ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવાનો અને અદાલતની છબી ખરડવાનો હીન પ્રયાસ છે, જે આવા તત્ત્વોની વિકૃત માનસિકતા દર્શાવે છે.
