બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદમાં પુત્રીને શેઠની કાર પાસે સુવડાવી સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી
રાજકોટમાં મોરબી રોડ પર બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદથી બચાવવા એક વર્ષની માસુમ પુત્રીને શેઠની બોલેરો કારની આગળની સાઈડ સુવડાવી હતી અને તેના ઉપર સિમેન્ટની ખાલી થેલીઓ ઓઢાળી દીધી હતી. શેઠે જાણ બહાર બોલેરો કાર હંકારતા માસુમ બાળકી પર બોલેરોનું ટાયર ફરી વળતાં મોત નિપજ્યું હતું. માસુમ બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મોરબી રોડ ઉપર અમીધારા સોસાયટીની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં અને બાજુમાં જ બાંધકામની સાઈટ પર મજુરી કામ કરતાં મધ્યપ્રદેશના પરિવારની ક્રિષ્ના અબલાબાઈ મેડા નામની એક વર્ષની માસુમ બાળકી ઉપર શેઠ સુખાભાઈ મેણંદભાઈ ચાવડાની બોલેરો માથે ફરી વળતાં માસુમ બાળકીનું તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું મોત નિપજતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકી બે બહેનોમાં નાની હતી. જનેતાએ બાંધકામ સાઈટ પર વરસાદથી બચાવવા એક વર્ષની પુત્રીને શેઠની બોલેરો કારની આગળની સાઈટ સુવડાવી હતી અને તેની માથે સિમેન્ટની ખાલી થેલીઓ ઓઢાળી દીધી હતી તે દરમિયાન કોન્ટ્રાકટર યોગેશભાઈએ સિમેન્ટની થેલીઓ મુકવાની હોવાથી બોલેરો હટાવવાનું કહેતા શેઠ સુખાભાઈ ચાવડા પોતાની જાણ બહાર બોલેરો હટાવવા જતાં નિંદ્રાધીન માસુમ બાળકી પર ટાયર ફરી વળતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
