ઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોત

રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી…

રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ

શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. માસુમ બાળકીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં રાણપુર (નવાગામ)માં રહેતાં પરિવારની જીયાંશી રૈયાભાઈ ઉર્ફે રવજીભાઈ કુરીયા નામની દોઢ વર્ષની બાળકી બપોરના બાર વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે પાડોશમાં રહેતાં રમેશભાઈ ધામેચા પોતાની જી.જે.3 જે.એલ.1116 નંબરની કાર લઈને ત્યાંથી પસાર થતાં જીયાંસી કુરીયા કારની ઠોકરે ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બાળાને તાત્કાલીક સારવાર માટે કુવાડવા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકી એકના એક ભાઈની એકની એક લાડકી બેન હતી અને પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે પાડોશી રમેશભાઈ ધામેચા કાર લઈને નીકળતાં જીયાંસી કુરીયા કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મૃતક બાળકીના પિતા રૈયાભાઈ ઉર્ફે રવજીભાઈ કુરીયાએ કાર ચાલક રમેશભાઈ ધામેચા વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *