કોઠારિયા રોડ પર બાંધકામ સાઈટ ઉપર દોઢ વર્ષના માસૂમ પર ડેલી પડતાં મોત

મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ સિતારામ સોસાયટીમાં રહેતો પરિવાર કોઠારીયા રોડ પર બાંધકામ સાઈટ પર મજુરી કામ કરતો હતો ત્યારે અકસ્માતે ડેલી પટકાતા દોઢ વર્ષના…

મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ સિતારામ સોસાયટીમાં રહેતો પરિવાર કોઠારીયા રોડ પર બાંધકામ સાઈટ પર મજુરી કામ કરતો હતો ત્યારે અકસ્માતે ડેલી પટકાતા દોઢ વર્ષના માસુમનું મોત નિપજ્યું હતું. 10 દિવસ પૂર્વે જ મજુરી અર્થે આવેલા પરિવારે પુત્ર ગુમાવતાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સિતારામ સોસાયટીમાં રહેતો શ્રમિક પરિવાર કોઠારીયા રોડ પર રમેશભાઈની બાંધકામ સાઈટ પર કામ કરતો હતો ત્યારે શ્રમિક પરિવારનો મયુર સુખરામભાઈ મેડા નામનો દોઢ વર્ષનો માસુમ બાળક સાઈટ પર રમતો હતો. તે દરમિયાન અકસ્માતે માસુમ બાળક પર ડેલી પટકાઈ હતી.

માસુમ બાળકનું ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને છેલ્લા 10 દિવસથી અહિંયા કડીયા કામ અર્થે આવ્યો હતો. મૃતક મયુર મેડા ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. બાંધકામ સાઈટ પર મોટી બહેન રિંકલ ડેલી બંધ કરવા જતાં ડેલી પટકાતા માસુમ બાળક દબાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *