શહેરના ભીસ્તીવાડમાં રહેતાં અને અગાઉ ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાઇ ચુકેલા શખ્સે જેલમાંથી છૂટી પોતાની પુર્વ પ્રેમિકાના ઘરમાં ઘુસી મારી દિકરી કયાં છે? ઝઘડો કરી બાદમાં ફોન કરી જો ફરીથી પૈસા માંગી જો મારી દિકરીને નહિ મુકી જા તો હું મારા કાળા હાથ છે તેને લાલ કરીશ, તને પતાવી દઇશ તેવી ધમકી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવમાં પ્ર.નગર પોલીસે 34 વર્ષિય મહિલાની ફરિયાદ પરથી યાસીન ઓસમાણ કઇડા વિરૂૂધ્ધ બીએનએસની કલમ 329 (1), 351 (3) મુજબ યાસીને મહિલાના ઘરમાં ઘુસી મારી દિકરી કયાં છે? પૈસા આપ કહી ડખ્ખો કરી બાદમાં ફોન કરી મારી દિકરીને આપી જા નહિતર તને છરીના ઘા મારી પતાવી દઇશ તેવી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.
મહિલાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. નવ વર્ષ પહેલા હું અને યાસીન રિલેશનશીપમાં હતાં.તેના કારણે મારે ત્રણ બાળકો થયા હતાં. પણ જે તે વખતે યાસીને મારી સાથે લગ્ન કરવાની ના પાડતાં મેં તેના વિરૂૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં યાસીનની ધરપકડ થતાં તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધકેલાયો હતો.ગત 12/12/24ના રોજ જેલમાંથી તે જામીન પર છુટી ગયો હતો. 13/12ના રોજ તે સવારે મારા ઘરમાં જબરદસ્તીથી ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે-મારી દિકરી કયાં છે? જેથી મેં તેણી સ્કૂલે ગઇ છે તેમ કહેતાં યાસીને મારે પૈસા જોઇએ છે, તું મને પૈસા આપ, હું જેલમાંથી છુટીને આવ્યો છું મારી પાસે પૈસા નથી. જેથી મેં કહેલું કે તું હવે મને માફ કરી દે અને મને હેરાન કરવાનું બંધ કરી દે. દિકરી શાળાએથી આવશે એટલે મળવા મોકલીશ. તેમ કહેતાં તે જતો રહ્યો હતો.
બાદમાં 15મીએ રાતે નવ વાગ્યે યાસીને મને મેસેજ કર્યો હતો કે મને પૈસા આપ મારે અજમેર જાવુ છે, મારે ગાડી લેવી છે. મેં તેણે મારી પાસે હાલ પૈસા નથી. તેમ કહેતાં તેણે મારી દિકરી દઇ જા નહિતર હું તને છરીના ઘા મારી પતાવી દઇશ, મારા કાળા હાથ છે તેને લાલ કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. આથી ગભરાઇને મારે ફરિયાદ કરવી પડી હતી.અગાઉ યાસીન વિરૂૂધ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો હતો.તેમાં પણ તે જામીન પર છુટેલો છે.યાસીન વિરુદ્ધ સાતેક ગુના નોંધાઈ ચુક્યા છે.પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ જે.એમ. પરમારે ગુનો નોંધી યાસીનને સકંજામાં લીધો હતો.