હળવદના નવા વેગડવાવમાં વીજ તણખલો પડતા ઘઉંનો પાકં બળીને ખાક

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે. વીજ લાઈનમાંથી પડેલા તણખાને કારણે તૈયાર ઘઉંના પાકમાં ભયાનક આગ લાગી હતી.…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે. વીજ લાઈનમાંથી પડેલા તણખાને કારણે તૈયાર ઘઉંના પાકમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં અંદાજે 20 વીઘા જમીનમાં ઉભેલો સોના જેવો ઘઉંનો પાક રાખમાં ફેરવાઈ ગયો છે. આ ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ પાસે આવેલી ખેતીની જમીનમાં લણણી માટે તૈયાર થયેલો ઘઉંનો પાક હતો. ત્યારે લીલાપર સબ સ્ટેશનના દિવ્યાગ ફીડરની વીજ લાઈનમાંથી અચાનક તણખો પડતાં ખેતરમાં આગ ભભૂકી ઊઠી હતી.

આગ જોતા જ સ્થાનિક ખેડૂતો, ગામલોકો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ખેડૂતો દ્વારા ટ્રેક્ટર, રોટાવેટર તેમજ પાણીના ટેન્કરોની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે અંદાજે 20 વીઘા જમીનમાં ઉભેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.આ આગમાં શંકરભાઈ ડાભી અને ખેગારભાઈ સહિતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અંદાજે 1200 મણ જેટલો ઘઉંનો પાક બળી જતાં આશરે 6 લાખ રૂૂપિયાનું નુકસાન થયાનું સામે આવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે આ પાક તેમના આખા વર્ષના પરિશ્રમનું પરિણામ હતું, જે એક જ ક્ષણે નાશ પામ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર વીજ વિતરણ વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે લાવી છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે જૂની વીજ લાઈનો અને યોગ્ય જાળવણીના અભાવને કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે.ખેડૂતો દ્વારા પીજીવીસીએલ સામે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉપાયો કરવાની માંગ ઉઠી છે. હાલમાં ખેડૂતો દ્વારા તંત્ર પાસે નુકસાનીનું મૂલ્યાંકન કરી વળતર આપવાની માંગ કરવામાં આવી છે. હવે તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *