શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલો સગીર મધરાત્રે ગરબી જોઈને પરત ફરતો હતો ત્યારે આણંદપર બાઘી પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા સગીરનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે રહેતાં મડીયા વરીયાભાઈ શિંગાડા નામનો 15 વર્ષનો સગીર રાત્રીનાં સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ આણંદપર ગામ બાધી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સગીરને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સગીરનું મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સગીર મુળ મધ્યપ્રદેશનો વતની હતો અને પાંચ ભાઈ બે બહેનમાં નાનો હતો. મડીયા શિંગાડા રાત્રીના સમયે બાઈક લઈને ગરબી જોવા માટે નીકળ્યો હતો. ગરબી જોઈ ઘરે પરત ફરતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
