વડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોત

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે સંતાનોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા 30 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા…

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે સંતાનોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા 30 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવતા તેમનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, વડિયામાં રહેતા મિલનબેન રવિભાઈ રાવરાણી (ઉં.વ. 30) ગઈકાલે સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા. આ સમયે સંતાનોના પ્રશ્ને પતિ રવિભાઈ સાથે તેઓને બોલાચાલી થઈ હતી. ઘરકંકાસ અને પતિ સાથેના ઝઘડાથી માનસિક રીતે કંટાળી ગયેલા મિલનબેને ઘરમાં રહેલું કેરોસીન પોતાના શરીર પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

ઘટનાને પગલે ગંભીર રીતે દાઝી ગયેલા મિલનબેનને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મિલનબેનના પતિ રવિભાઈ દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેમણે આજે માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવને પગલે રાવરાણી પરિવાર સહિત વડિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *