જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે આવેલા મંદિરમાં દર્શન કરવા આવેલ એક ગઠીયો માતાજીની મૂર્તિ પરથી આભૂષણની ઉઠાંતરી કરી ગયો હતો. ધોળે દિવસે બનેલી ચોરીની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા તસ્કરે ચોરી કરી હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જેતલસર જંક્શન વિસ્તારમાં આવેલા મંદિરમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક અજાણ્યો તસ્કર ભક્તના સ્વાંગમાં મંદિરમાં પ્રવેશ્યો હતો.
જ્યાં પહેલા તો સામાન્ય શ્રદ્ધાળુની જેમ દર્શન કરવાનો ડોળ કર્યો હતો અને આજુબાજુ કોઈ જોઈ નથી રહ્યું તેની ખાતરી કર્યા બાદ મંદિર પરિસરમાં એકલતા જણાતા માતાજીની મૂર્તિ પર ચડાવવામાં આવલે છતર પર ઝપટ મારી હતી. મૂર્તિ પરથી હારને બળપૂર્વક ખેંચી (આંચકી) લીધો હતો અને તેને પોતાના કપડામાં છુપાવીને ગણતરીની સેક્ધડોમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. ચોરી કરનાર શખ્સે કાળા કલરનું જેકેટ (હૂડી) અને સફેદ કલરનું પેન્ટ પહેરેલું હતું. ધાર્મિક સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ ગઠિયાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
