રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી વધુ બે વ્યકિતના મોત નીપજયાની ઘટના સામે આવી છે. મુંબઇમાં બોરીવલી વિસ્તારમાં રહેતા સમીરભાઇ ગોકળદાસભાઇ સંપટ (ઉ.વ.57) પત્ની મોસમીબેન સાથે ત્રણ દિવસ પહેલા રાજકોટમાં સરદારબાગની સામે આવેલા ચાણકય એપાર્ટમેન્ટના 10માં માળે રહેતા સસરાના ઘરે રોકાવા આવ્યા હતા.આજે સવારે તેઓ ન્હાઇને બાથરૂૂમમાંથી બહાર નીકળતા હાર્ટએટેક આવતા તેઓ બેભાન થઇ ઢળી પડતા પરિવારજનો તુરત જ દોડી આવ્યા હતા.
અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. ગમારા તથા રાઇટર પ્રતાપભાઇ સહિતે મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું હતું. મૃતક સમીરભાઇ મુંબઇમાં વેપાર કરતા હતા. તેઓ બેભાઇમાં નાના હતા. તે પત્નિ સાથે ત્રણ દિવસથી અહી સસરાના ઘરે રોકાવવા માટે આવ્યા હતા. આજે સવારે બંનેની પરત જવા માટેની ફલાઇટ હતી. પ્રોઢના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જયારે બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક પાસે આવેલા પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા સુશીલાબેન નરેશભાઇ નેપાળી (ઉ.વ.31)નામના મહિલા રાત્રીના સમયે એપાર્ટમેન્ટી ઓરડીમાં બેભાન થતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓના મોતથી ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
