પોરબંદરના ડ્રાઇવરની ધરપકડ, 29243 બોટલ મળી આવી: રાણાવાવ અને ભાણવડના શખ્સે દારૂ મંગાવ્યો હતો
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) એક મસમોટું ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય દારૂૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે પોણા બે કરોડ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજ્યમાં દારૂૂ સપ્લાય કરવાના મોટા રેકેટને નિષ્ફળ બનાવ્યું છે.
પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર મોડી રાત્રે જામનગર કઈઇની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ‘ભારત બેન્જ’ કંપનીનો બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 29,243 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹1,39,79,800/- થાય છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ચલાવતા રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) નામના 30 વર્ષીય શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોરબંદરના આદિત્યાણા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દારૂૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય આરોપીઓ અને દારૂૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.
પોલીસે આ રેઈડ દરમિયાન માત્ર દારૂૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલ સાધનો પણ જપ્ત કર્યા છે. જેમાં ₹1.39 કરોડનો દારૂૂ, ₹20 લાખની કિંમતનો ટ્રક અને ₹5000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹1,59,84,800/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે.
જામનગર એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ તપાસમાં એ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે દારૂૂનો આટલો મોટો જથ્થો પરપ્રાંતના કયા રાજ્યમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. આ પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે વિગતો પણ તપાસમાં ખુલે તેવી શક્યતા છે. ફરાર આરોપીઓ કરશન અને દુદાની ધરપકડ બાદ આ નેટવર્કનો મોટો ખુલાસો થઈ શકે છે.
જામનગર પોલીસની આ આક્રમક કાર્યવાહી સૂચવે છે કે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે તંત્ર હવે લાલ આંખ કરી રહ્યું છે. હાઈવે પરની સઘન વોચ અને સચોટ બાતમીના કારણે ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.
