ચાંદીના વેપારી પાસેથી 20 કિલો પાયલ મંગાવી રૂપિયા નહીં આપી ઉદયપુરના શખ્સની ઠગાઇ

રાજકોટ શહેરમાં ચાંદીના ઘરેણાંના મેન્યુફેક્ચરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક સ્થાનિક વેપારી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના બી-ડીવીઝન…

રાજકોટ શહેરમાં ચાંદીના ઘરેણાંના મેન્યુફેક્ચરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક સ્થાનિક વેપારી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 09 જૂન 2026ના રોજ આ અંગે વિધિવત રીતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના જુલાઈ 2025થી જૂન 2026ના સમયગાળા દરમિયાન બની હતી, જેમાં રાજસ્થાનના ઉદયપુરના એક વેપારીએ રાજકોટના વેપારી પાસેથી ચાંદીના દાગીના મંગાવી લીધા બાદ નિયત કરાયેલું ચોખ્ખું ચાંદી કે તેની રકમ પરત ન આપીને આશરે 12.453 કિલોગ્રામ ચોખ્ખા ચાંદીની છેતરપિંડી આચરી છે.

ફરિયાદની વિગતો અનુસાર, રાજકોટના સંતકબીર રોડ પર આવેલા બ્રાહ્મણીયાપરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય સન્નીભાઈ અશોકભાઈ ગઢીયા છેલ્લા ચાર વર્ષથી પોતાના પરિવારની 30 વર્ષ જૂની પેઢી “શ્રી ખોડીયાર ઓરનામેન્ટ” સંભાળે છે. વર્ષ 2025ના જૂન કે જુલાઈ મહિના દરમિયાન, તેમની પેઢી સાથે અગાઉ જોબવર્કથી જોડાયેલા હસુભાઈ પાંભર નામના વેપારી ઉદયપુરના એક સોના-ચાંદીના વેપારીને લઈને સન્નીભાઈની દુકાને આવ્યા હતા. આ વેપારીએ પોતાની ઓળખ કરણસિંહ (રામેશ્વર જ્વેલ્સ, ઉદયપુર) તરીકે આપી હતી અને રાજકોટની અન્ય પ્રતિષ્ઠિત પેઢીઓ સાથે પોતાના વેપારી સંબંધો હોવાનો દાવો કર્યો હતો. ડાયરેક્ટ મેન્યુફેક્ચરર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવીને કરણસિંહે સન્નીભાઈને 30 કિલોગ્રામ ફેન્સી ચાંદીની પાયલ બનાવવાનો મૌખિક ઓર્ડર આપ્યો હતો.

સન્નીભાઈએ પોતાની સગવડ મુજબ 54.49 ટકા ટચવાળી 20.586 કિલોગ્રામ વજનની ચાંદીની પાયલ તૈયાર કરી હતી. કરણસિંહે વોટ્સએપ પર પોતાની પેઢીના જીએસટી નંબર અને સરનામાની વિગતો મોકલતા, સન્નીભાઈએ 10 જુલાઈ 2025ના રોજ જીએસટી બિલ સાથે આ માલ રાજકોટના બ્રાહ્મણીયાપરા ખાતે આવેલી “નીલકંઠ આંગડિયા” પેઢી મારફતે કુરિયરથી ઉદયપુર મોકલી આપ્યો હતો. કરણસિંહે માલ મળી ગયો હોવાની પુષ્ટિ પણ વોટ્સએપ પર કરી હતી. બંને વચ્ચે થયેલી મૌખિક શરત મુજબ, આ દાગીના સામે મજૂરી સહિત 60.49 ટકા ટચનું 12.453 કિલોગ્રામ ચોખ્ખું ચાંદી એક અઠવાડિયામાં પરત આપવાનું હતું.

જોકે, સમય વીતવા છતાં આરોપીએ અલગ-અલગ બહાના બતાવી માલ મોકલ્યો ન હતો. આખરે જાન્યુઆરી 2026માં સન્નીભાઈ રૂૂબરૂૂ ઉદયપુર તપાસ કરવા ગયા ત્યારે આરોપીની દુકાન બે-ત્રણ મહિનાથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું અને આરોપીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સન્નીભાઈ ગઢીયાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી કરણસિંહ (રામેશ્વર જ્વેલ્સ, રહે. 144, શગુન વિહાર, બેડલા પાસે, લાલબોટ, ઉદયપુર, રાજસ્થાન) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને 316(2) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *