જસદણ તાલુકાના વડોદ ગામે પશુપાલન અને ખેતીકામ સાથે સંકળાયેલા એક પ્રૌઢનું પાલતુ ભેંસે પાટું મારતા થયેલી ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે વડોદ ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
વડોદ ગામે રહેતા અને ખેતીકામ કરતા જસમતભાઈ ઉર્ફે હકા ટપુભાઈ શીયાળ (ઉં.વ. 50) ગત 20 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે પશુઓની માવજત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની જ ભેંસે અચાનક પાટું મારતા જસમત ભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી સારવાર કારગત નીવડી ન હતી અને ગત રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.મૃતક જસમતભાઈ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના નિધનથી પરિવારે એક વડીલ અને આધારસ્તંભ ગુમાવ્યો છે.
મૃતક જસમતભાઈ પરિણીત હતા. તેમના પરિવારમાં સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. પિતાના અકાળે અવસાનથી ચાર સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વડોદ ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
