ધરાર પ્રેમીએ જીવ લીધો: ધમકીથી ડરી યુવતીએ કર્યો આપઘાત

ચોટીલાના પિયાવા ગામની ઘટના : યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ ચોટીલા તાબાના પિયાવા ગામે શેઢા પાડોશી ધરાર પ્રેમીના ત્રાસ અને ધમકીથી…

ચોટીલાના પિયાવા ગામની ઘટના : યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ

ચોટીલા તાબાના પિયાવા ગામે શેઢા પાડોશી ધરાર પ્રેમીના ત્રાસ અને ધમકીથી કંટાળી યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના પિયાવા ગામે રહેતી રસીલાબેન વિઠ્ઠલભાઈ પલાળીયા નામની 19 વર્ષની યુવતી ગત તા.4 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક રસીલાબેન પલાળીયા બે ભાઈની એકની એક બહેન હતી. પોતાના જ ગામમાં રહેતા શેઢા પાડોશી વિશાલ હીરા કોળી નામનો શખ્સ રસીલાબેન પલાળીયાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ત્રાસ આપતો હતો જેથી રસીલાબેન પલાળીયાએ ધરાર પ્રેમી વિશાલની ધાક ધમકીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હોવાનો મૃતક રસિલાબેન પલાળીયાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *