મિલકતના વિવાદમાં ભાઇઓ વચ્ચે ધિંગાણું: બે સગાભાઇની લોથ ઢળી

મિલકતમાં ભાગ કેમ નથી આપતા? કહી કૌટુંબિક ભાઇ પરિવારના જ ત્રણ સભ્યો ઉપર છરી વડે ઝનૂનપૂર્વક તૂટી પડ્યો, વળતા હુમલામાં પોતે પણ ગંભીર રીતે ઘવાયો…

મિલકતમાં ભાગ કેમ નથી આપતા? કહી કૌટુંબિક ભાઇ પરિવારના જ ત્રણ સભ્યો ઉપર છરી વડે ઝનૂનપૂર્વક તૂટી પડ્યો, વળતા હુમલામાં પોતે પણ ગંભીર રીતે ઘવાયો

રાજકોટના રૈયા એક્સચેંજ વિસ્તારમાં રાત્રે ભરવાડ પરિવારમાં લોહીયાળ અથડામણ

150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં મિલકતના ભાગ પાડવા બાબતે થયેલા વિવાદે ગંભીર વળાંક લીધો છે. કૌટુંબિક ભાઈઓ વચ્ચેની માથાકૂટ આખરે ખૂની ખેલમાં પરિણમી હતી, જેમાં છરી વડે કરવામાં આવેલા હુમલામાં 50 વર્ષીય સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં સુરેશભાઈના પુત્ર લાખાભાઈ અને રાજેશભાઇ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા રાજેશભાઇ ધોળકીયાનુ સારવારમાં મોત નીપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વળતા હુમલામાં સામે પક્ષે હાર્દિક ધોળકિયાને પણ ગંભીર ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયાધાર પાસે આવેલા બંસીધર પાર્કમાં રહેતા સુરેશભાઈ ધોળકિયા અને તેમનો 22 વર્ષીય પુત્ર લાખો, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા તેમના નાનાભાઈ રાજુભાઈ ધોળકિયાના ઘરે ગયા હતા. આ દરમિયાન, તેમના કૌટુંબિક ભાઈ હાર્દિક ધુડાભાઈ ધોળકિયા ત્યાં આવી પહોંચ્યો હતો અને મિલકતના ભાગ બાબતે ઉગ્ર રકઝક શરૂૂ કરી હતી. હાર્દિક ગાળાગાળી કરી રહ્યો હોવાથી સુરેશભાઈ અને લાખો બંને તેને સમજાવવા ગયા હતા. વાતચીત દરમિયાન હાર્દિકે આક્રોશમાં આવીને “તમે અમને અમારો ભાગ કેમ આપતા નથી?” તેવું કહી છરી કાઢીને સુરેશભાઈ, રાજુભાઈ અને લાખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઈજાઓ થતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જયારે આ ઘટનામાં મૃતક સુરેશભાઇના સગાભાઇ રાજેશભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવાનુ પોલીસમાંથી જાણવા મળી રહ્યુ છે.

ઘટનાની જાણ થતા જ એસીપી, ડીસીપી અને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ચિંતન દવે સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હાર્દિક ગઈકાલે રાત્રે જ રાજેશના ઘરે પહોંચી ગયો હતો અને મિલકતના ભાગ મામલે વિવાદ કરીને ઘર પાસે બૂમાબૂમ કરી રહ્યો હતો. આ ગંભીર ગુનાના સંદર્ભમાં પોલીસે લાખાભાઈની ફરિયાદના આધારે આરોપી હાર્દિક ધુડા ધોળકિયા સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ, વળતી ફરિયાદમાં હાર્દિકના ભાઈ મયુરને ફરિયાદી બનાવીને સુરેશભાઈના પક્ષના સભ્યો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે.

મૃતક પાંચ ભાઈ-બહેનમાં મોટા હતા અને માલ ઢોરનું કામ કરતા હતા
મૃતક સુરેશભાઈ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની હતા. તેઓ વ્યવસાયે ખેતીકામ અને માલઢોર ઉછેરનું કામ કરતા હતા. પરિવારના સભ્યોની વિગતો આપતા તેમના ભાઈ રાજુભાઈએ જણાવ્યું હતું કે, સુરેશભાઈ ત્રણ બહેનો (રામુબેન, યમુબેન અને વિરુબેન) અને બે ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં પત્ની લીલુંબેન તેમજ બે પુત્રો લાખો અને વિજય છે. પરિવારના મોભીના આકસ્મિક મૃત્યુથી ધોળકિયા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ સાંભળીને ઘટનાના દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *