આંકલાવના અંબાવ ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવ્યો

  આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી…

 

આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. હાલ પીડિત ખેડૂત વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસે અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર અંબાવ ગામમાં રહેતા 51 વર્ષીય ભરતભાઈ ફૂલસિંહ પઢીયારે ગામમાં થતા ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી. આટલું જ નહીં ન્યાય ન મળતા તેમણે મીડિયામાં પણ નિવેદન આપ્યું હતું. જેથી આ રજૂઆતોથી અકળાયને ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢીયાર અને તેમનો પરિવાર ભરતભાઈ પર ખાર રાખી રહ્યો હતો.

ગત 4 જાન્યુઆરીના રોજ જ્યારે ભરતભાઈ ગામના એક વિસ્તારમાં કામ અર્થે ગયા હતા, ત્યારે મહિલા સરપંચ કોકિલાબેન અને તેમના પરિવારના અન્ય સભ્યો ઇકો કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા અને ભરત ભાઈ પર હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો.

માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

આ સમગ્ર મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *