જામનગરમાં 181-મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીને લીધે એક પરિવારનો તૂટતો સંસાર બચ્યો

નશાનું સેવન કરનાર પતિને શીખ આપીને તેની પત્ની અને બાળકો સાથે સુખદ સમાધાન કરાવ્યું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્પલાઇન પર જામનગરમાં રહેતી…

નશાનું સેવન કરનાર પતિને શીખ આપીને તેની પત્ની અને બાળકો સાથે સુખદ સમાધાન કરાવ્યું

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્પલાઇન પર જામનગરમાં રહેતી એક પરિણીત મહિલા દ્વારા મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે તેમના પતિ દ્વારા સતત હેરાનગતિ, માનસિક ત્રાસ અને નશાખોરીને કારણે તેમનું વૈવાહિક જીવન ગંભીર સંકટમાં મુકાયું છે. જેમાં મહિલા નો કોલ આવતા ની સાથે જ 181 ટીમ ના કાઉન્સિલર ઈશિતા પરમાર, કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ, પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ની ટીમ સ્થળ પર પહોંચી હતી.

જેમાં મહિલાના જણાવ્યા અનુસાર તેમના લગ્નને અંદાજે 9 વર્ષ થઈ ગયા છે, અને તેમને બે સંતાન છે. પતિ નશાત્મક દ્રવ્યનું સેવન કરે છે અને આ વ્યસનના કારણે પરિવારની જવાબદારીઓ નિભાવતો નથી. મહિલા બે દિવસ માટે બાળકો સાથે પિયર ગઈ હતી, તે દરમિયાન પતિએ ઘરના અડધા કરતાં વધુ સામાન વેચી નાખ્યો હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી.

મહિલા હેલ્પલાઇન 181ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસર અને માનવતાવાદી દૃષ્ટિકોણથી કાઉન્સેલિંગ કર્યું હતું, અને પતિને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું કે પતિ તરીકે તથા પિતા તરીકે તેમની ફરજો શું છે, અને ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ તથા આર્થિક શોષણ ભારતીય કાયદા મુજબ ગુનાહિત કૃત્ય છે.
ઉપરાંત પતિને વર્ષ 2005 ના ઘરેલુ હિંસા અને મહિલા સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેને જણાવાયું કે જો ફરીથી આવી હરકત કરશે, તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે. કાઉન્સેલિંગ દરમિયાન પતિએ લેખિત તથા મૌખિક ખાતરી આપી કે હવે પછી તે ફરીથી નશાખોરી નહીં કરે, ઘરના સામાનનું વેચાણ નહીં કરે, અને પત્ની અને બાળકોની જવાબદારી નિભાવશે.

આ ખાતરી બાદ મહિલા ભાવુક થઈ ગઈ, અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું. મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીથી એક પરિવાર તૂટતા બચ્યો હતો, અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય પણ મળ્યું છે. જામનગરમાં 181- મહિલા હેલ્પલાઇન ની ટીમે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે તાત્કાલિક પ્રતિસાદ, કાનૂની સમજ અને માનવીય અભિગમથી અનેક સંસાર બચાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *