કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળાએ માજા મૂકી હોય તેમ જીવલેણ બન્યો છે. રોગચાળાના કારણે છાશવારે લોકોના મોતની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું તાવ અને ઝાડાની બીમારી સબબ મોત નીપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલ શીતળાધાર વિસ્તારમાં સરદાર ગૌશાળા પાછળ રહેતા શ્રમિક પરિવારની સ્વાતિબેન અનિલકુમાર જેસ્વાલ નામની દોઢ વર્ષની બાળકીને તાવ અને ઝાડાની બીમારી સબબ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો. સ્વાતિબેન જેસ્વાલ એકના એક ભાઈની એકની એક નાની બહેન હતી. સ્વાતિબેન જેસ્વાલ છેલ્લા ત્રણ દિવસથી તાવ અને ઝાડાની બીમારીમાં સપડાતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન સ્વાતીબેન જેસ્વાલનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
