11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો ભરખી રહ્યો છે. ત્યારે જસદણના જંગવડ ગામે ધો.5માં અભ્યાસ કરતા 11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો પડ્યા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના જંગવડ ગામે રહેતા હેતાશ રશ્મિકાંતભાઈ દવે નામના 11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યો હતો. પરિવાર દ્વારા માસુમ બાળકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હેતાશ દવે જંગવડ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ મહાકુંભ તાલુકા કક્ષાએ રમ્યો હતો. બાળકનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
બટેટાના ધંધાર્થી હાર્ટ એટેક આવતા રેકડી પર જ ઢળી પડતા મોત
રાજકોટમાં ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતા મણિશંકરભાઈ નાથાભાઈ જોશી નામના 55 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સ્વામિનારાયણ ચોક પાસે માર્કેટમાં પોતાની લારીએ બટેટાનો વેપલો કરતા હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.