ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચેની ધંધાકીય હરીફાઈમાં હત્યા માટે 50 લાખની સોપારી અપાઈ

રૂપિયાની લાલચે જૂનાગઢના ભાડુતી હત્યારાએ વટાણા વેરી દેતા ભાંડો ફૂટ્યો હત્યા કર્યા વગર ‘સોપારી’ પડાવી લેવા સોગઠાં ગોઠવ્યા પણ ફાવ્યો નહીં રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને…

રૂપિયાની લાલચે જૂનાગઢના ભાડુતી હત્યારાએ વટાણા વેરી દેતા ભાંડો ફૂટ્યો

હત્યા કર્યા વગર ‘સોપારી’ પડાવી લેવા સોગઠાં ગોઠવ્યા પણ ફાવ્યો નહીં

રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ગણા દીવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું છે. હજુ પણ આ મામલે લોહીયાળ માથાકૂટ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ટ્રાવેલના હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને ઘાટ ઉતારવા માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે 50 લાખની સોપારી આપી ભાડુતી હત્યારાને મોકલ્યો હતો જોકે ભાડુતી હ્ત્યારો જૂનાગઢનો શખ્સે જેની હત્યા કરવાની હતી તેની સમક્ષ વટાણા વેરી દેતા ભાંડો ફૂટી ગયો હતો અને આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હત્યા કરવા આવેલ ભાડુતી હત્યારાએ ટ્રાવેલ્સ સંચાલકને હત્યા કરવી નથી માટે તમારે મોબાઈલ સ્વીચ ઓફ કરી મારી સાથે ત્રણ દિવસ રહેવું પડશે 50 લાખ મળ્યા બાદ તમને જવા દઈશ તેવો પ્લાન બનાવ્યો હતો જોકે ભાડુતી હત્યારાના ચુંગાલ માંથી ભાગી ટ્રાવેલ્સ સંચાલકે ફરિયાદ નોંધાવી હતી.સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પરના શિવનગરમાં રહેતા અને પિતૃકૃપા નામે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતાં વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.45)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના લાલા મુસ્લિમનું નામ આપ્યુ હતું.

વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.9ના પોતે પોતાની સ્કોર્પિયોમાં ઘર તરફ જતા હતા ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ પાસે બુલેટમાં એક બુકાનીધારી ધસી આવ્યો હતો. વિજયસિંહે પોતાનું વાહન ઊભું રાખતા તે શખ્સે પોતે બાંધેલો રૂૂમાલ હટાવતાં જ તે શખ્સ જૂનાગઢનો લાલો મુસ્લિમ હોવાનું વિજયસિંહ ઓળખી ગયા હતા. લાલો મુસ્લિમ વિજયસિંહ સાથે તેમની કારમાં બેસી ગયો હતો અને તેણે કહ્યું હતું કે, માતૃકૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજાએ તમારી હત્યા કરવા માટે રૂૂ.50 લાખની સોપારી આપી છે, આ માટે લાલાએ અગાઉ 27 નવેમ્બરના વિજયસિંહને વોટ્સએપ કોલ પણ કર્યો હતો, પરંતુ વિજયસિંહે ઓફિસે બોલાવતા લાલો ગયો નહોતો. લાલાએ કહ્યું હતું કે, મારે તમારી હત્યા કરવી નથી, પરંતુ ત્રણ દિવસ તમારો ફોન સ્વિચઓફ રાખો અને હું કહું તેમ કરવું પડશે, વિજયસિંહે ત્રણેક દિવસનો સમય આપવાનું કહેતા બંને છૂટા પડી ગયા હતા.


ત્યારબાદ તા.11ના વિજયસિંહ પોતાની ઓફિસે હતા ત્યારે લાલો ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, ઉપરથી પ્રેસર છે. આ છેલ્લી મુલાકાત છે કહી લાલો જતો રહ્યો હતો. બાદમાં એ રાત્રે જ સાડા આઠ વાગ્યે વિજયસિંહ પોતાના વાહનમાં ઘરે જતા હતા અને રાજકમલ પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા ત્યારે લાલો ફરીથી બુલેટમાં આવ્યો હતો અને વિજયસિંહને આંતરીને બુલેટમાં પાછળ બેસાડી અવાવરુ સ્થળે લઇ જવા નીકળ્યો હતો.

બજાજના શોરૂૂમ નજીક વિજયસિંહે ઘરેથી પૈસા મગાવી લઉ તેમ કહી બુલેટ ઊભું રખાવ્યું હતું અને બુલેટ ઊભું રહેતાં જ વિજયસિંહ ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયા હતા. વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હત્યાની સોપારી લેનાર લાલો મુસ્લિમ હત્યા કરવા ઇચ્છતો નહોતો, પરંતુ હત્યાનું નાટક કરી મેહુલસિંહ પાસેથી 50 લાખ પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો. રૂૂપિયા ન આવે ત્યાં ત્યાં સુધી વિજયસિંહને પોતાના કબજામાં રાખવા ઇચ્છતો હતો. પોલીસે લાલા મુસ્લિમ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂૂ કરી હતી.

છેલ્લા એક વર્ષથી બન્ને ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે ચાલતી માથાકૂટ

ગોંડલ હાઇવે પર આવેલ માતૃ કૃપાના સંચાલક મેહુલસિંહ જાડેજા અને પિતૃકૃપાના સંચાલક વિજયસિંહ જાડેજા વચ્ચે છેલ્લા એક વર્ષથી માથાકૂટ ચાલે છે. પેસેન્જર ભરવા બાબતે શરુ થયેલ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હોય એક વર્ષ પૂર્વે પણ વિજયસિંહ ભરતસિંહ જાડેજા ઉપર હુમલો કરવા અંગે ઇન્દુભા જાડેજા, મેહુલસિંહ જાડેજા, રાહુલસિંહ જાડેજા સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ ધંધાકીય ખારને કારણે ગઈ તારીખ 28 સપ્ટેમ્બર 2023ના રોજ પણ ગોંડલ ચોકડીએ આવેલ પિતૃકૃપા ટ્રાવેલ્સની બસ નં. જીજે03બીઝેડ0070ની ચોરી કરી આ બસ કુવાડવા પાસે સળગાવી નાખવામાં આવી હતી જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કડક કાયવાહી કરે તો ટ્રાવેલ્સના બે હરીફ ધંધાર્થી વચ્ચેની આ લડાઈમાં કોઈનો ભોગ લેવાતા અટકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *