પરિવારજનો શોધખોળ કરતાં હતાં ત્યારે બિલેશ્ર્વર ફાટક પાસેથી તેની લાશ મળી આવી
લોધીકાના ચીભડા ગામે રહેતી અને હાલ રાજકોટ મોરબી હાઇવે પર હડમતીયા ગામે માસાના ઘરે રહી રાજકોટની સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષની છાત્રા ગઇકાલે બપોરે સ્કૂલે જવું હોઇ નાસ્તો લેવા જવા ઘરેથી નીકળ્યા બાદ ટ્રેનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. જાણવા મળ્યા મુજબ મોરબી રોડ બીલેશ્વર ફાટક પાસે એક બાળકી ટ્રેન હેઠળ આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ 108ના ડોક્ટર મારફત થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. પ્રજ્ઞેશભાઇ અને રાઇટર વૈભવભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનાર બાળાનું નામ માહી ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.14) છે. તેણીના માતા-પિતા લોધીકાના ચીભડા ગામે રહે છે. પોતે હાલ હડમતીયા ગામે માસા ભેગી રહી રાજકોટના પેડક રોડ પર આવેલી મઝહર ક્ધયા વિદ્યાલયમાં ધોરણ-10માં ભણતી હતી.ગઇકાલે તેણીને સ્કૂલે જવાનું હોઇ નાસ્તો લેવા જવા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતાં પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં.
આ દરમિયાન તેની લાશ બીલેશ્વર ફાટક નજીક મળી હતી અને ટ્રેનની ઠોકરે તે આવી ગયાનું ખુલ્યું હતું. માહી એક ભાઇથી મોટી હતી.તેના પિતા ચંદુભાઇ વાઘેલા ખેત મજૂરી કરે છે.દિકરીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યાં બનાવ બન્યો તે ફાટક નજીક તેના ભાભુ પણ રહે છે.નાસ્તો લેવા ગઇ ત્યારે ભાભુના ઘર તરફ જતી વખતે પણ કદાચ આ બનાવ બન્યો હોઇ શકે તેમ પોલીસનું તારણ છે.
