કાલાવડમાં પારકી પરણેતરના પ્રેમમાં યુવાનનું અપહરણ કરી ખૂની હુમલો

કલાવડમાં એક દરજી યુવાન ને પારકી પરણીતા સાથેની મિત્રતા ’બાબતે મનદુ:ખ રાખી પીઠડિયાના શખ્સે અન્ય બે અજાણ્યા સાગરીતો સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું ઘડી યુવકનું અપહરણ…

કલાવડમાં એક દરજી યુવાન ને પારકી પરણીતા સાથેની મિત્રતા ’બાબતે મનદુ:ખ રાખી પીઠડિયાના શખ્સે અન્ય બે અજાણ્યા સાગરીતો સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું ઘડી યુવકનું અપહરણ કરી તેને લોખંડના પાઇપ વડે બેરહેમીથી માર માર્યાની ગંભીર ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ હુમલામાં યુવકના બંને હાથમાં ફ્રેક્ચર સહિત શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે કાલાવડની શીતલા કોલોની, જૈન સોસાયટીમાં રહેતા અને વાયરિંગનું કામ કરતા સંદીપભાઈ ધીરુભાઈ હંસરાજભાઈ ટંકારીયા (દરજી) (ઉ.વ.40)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના મોટા ભાઈ જસ્મીનભાઈને પીઠડિયા ગામે રહેતા ચીમનભાઈ દોમડિયાની પત્ની કંચનબેન સાથે મિત્રતા હતી. આ બાબતનો ખાર રાખીને ચીમનભાઈએ બે અજાણ્યા શખ્સો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

આ કાવતરાના ભાગરૂૂપે બંને અજાણ્યા શખ્સોને કાલાવડ નગરપાલિકા ખાતે મોકલી જસ્મીનભાઈને પ્લમ્બિંગનું કામ હોવાનું કહી વીરવાવ ગામે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન ચીમનભાઈ પણ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યા હતા.

ત્યારબાદ ચીમનભાઈ અને તેમની સાથેના બન્ને અજાણ્યા સાગરીતોએ જસ્મીનભાઈ ને તેમની મરજી વિરુદ્ધ કારમાં બેસાડી અપહરણ કર્યું હતું, અને વીરવાવથી રણુજા ગામ તરફ જવાના કાચા રસ્તે લઈ ગયા હતા. જ્યાં ત્રણેય શખ્સો એ જસ્મીનભાઇને ઢીકાપાટુ નો માર માર્યો હતો, અને ગાળો ભાંડીને કારમાંથી લોખંડના પાઇપ કાઢી શરીરના અલગ અલગ ભાગોમાં ફટકા માર્યા હતા. જેમાં તેઓના હાથ-પગ ભાંગી ગયા હતા, અને હાલ સારવાર હેઠળ છે. જે બનાવ અંગે તેમના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હાહિત કાવતરું રચી જીવલેણ હુમલો કરવા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *