સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂૂ થતાં જ ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 1500થી વધુ વાહનો મારફતે ખેડૂતો પોતાની ડુંગળીનો જથ્થો વેચાણ અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને પહોંચ્યા હતા.
ખેડૂતોની આટલી મોટી સંખ્યામાં આવકને પગલે ડુંગળી ઉતારવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા કે અવ્યવસ્થાનો સામનો કરવો ન પડે તે હેતુથી ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખેડૂતોની સુવિધાને પ્રાથમિકતા આપી મોડી રાત્રે યાર્ડ ખાતે દોડી આવ્યા હતા.અલ્પેશભાઈ ઢોલરીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા એ રાત્રિના સમયે યાર્ડ ખાતે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક અસરથી ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે કર્મચારીઓની ટીમને ખડેપગે રાખી જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
