રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામે માનવતાને શર્મસાર કરતી અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે. ભડલી ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાનું પાંચ જેટલા શખ્સોએ ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરી, તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નરાધમોએ સગીરા પર પાશવી અત્યાચાર ગુજાર્યા બાદ તેને નજીકના વાડી વિસ્તારમાં નિ:સહાય હાલતમાં તરછોડી દઈ નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર જસદણ તાલુકા અને પંથક વિસ્તારમાં ભારે રોષ અને સનસનાટી ફેલાઈ ગઈ છે.
આ ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી અને જસદણ પોલીસ આરોપીઓને પકડવા કામે લાગી છે.ફિલ્મી ઢબે અપહરણ અને પાશવી કૃત્યની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ભડલી ગામે રહેતી 17 વર્ષની સગીરા જ્યારે પોતાની દિનચર્યા મુજબ પસાર થઈ રહી હતી, ત્યારે એક કારમાં આવેલા પાંચ શખ્સોએ જેમાં એક તેનો પરિચિત શખ્સ હતો આ તમામે તેને આંતરી હતી. આરોપીઓએ કોઈ કશું સમજે કે સગીરા બૂમાબૂમ કરે તે પહેલાં જ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી ફિલ્મી ઢબે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ આ પાંચેય શખ્સો સગીરાને અવાવરું અને એકાંત જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેની મરજી વિરુદ્ધ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
કૃત્ય આચર્યા બાદ આરોપીઓ સગીરાને ભડલી ગામની સીમમાં આવેલા એક વાડી વિસ્તારમાં તરછોડીને કાર લઈને ફરાર થઈ ગયા હતા. ડરી ગયેલી અને આઘાતમાં સરી પડેલી સગીરા જેમ-તેમ કરીને પોતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી. દીકરી સાથે બનેલી આ ઘટના સાંભળીને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ભોગ બનનાર સગીરાની વાત સાંભળ્યા બાદ પરિવારજનોએ હિંમત દાખવી તાત્કાલિક જસદણ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. સગીરાએ આપેલી કેફિયત મુજબ, અપહરણ અને દુષ્કર્મ આચરનારા પાંચ શખ્સોમાંથી એક શખ્સ સગીરાનો પરિચિત હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ચાર શખ્સો તેની સાથે સામેલ હતા.
પોલીસે સગીરા અને તેના પરિવારની ફરિયાદના આધારે મુખ્ય પરિચિત આરોપી સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ અપહરણ, સામૂહિક દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર સગીરાની તબીબી તપાસ કરાવવાની તજવીજ પણ શરૂૂ કરી છે.સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર બનાવની જાણ થતાં જ રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા છે.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના કડક આદેશ આપવામાં આવ્યા છે. આરોપીઓને કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક પકડી લેવા માટે રાજકોટ ગ્રામ્ય એલસીબી , એસઓજી અને સ્થાનિક જસદણ પોલીસની અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે.હાલ પોલીસની આ ત્રણેય ટીમો દ્વારા ભડલી ગામ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને પરિચિત આરોપીના મોબાઈલ લોકેશન તથા તેના સંપર્કોના આધારે અન્ય ચાર શખ્સોની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શક્ય તમામ દિશામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ પોલીસ સકંજામાં હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
