લિંબાયત પોલીસને જોઇ મધરાતે કોન્સ્ટેબલ પર હુમલો કરતા પીઆઇ ચૌહાણે સ્વબચાવમાં પગમાં ગોળી ધરબી
સુરત શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ખૌફ ઊભો કરવા લિંબાયત પોલીસે છેલ્લા છ મહિનામાં બીજી વખત મધરાતે ’હાફ એન્કાઉન્ટર’ કરીને એક રીઢા લૂંટારુને ઝડપી પાડ્યો છે. વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં 5 રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવનાર મૂળ ઝારખંડના કુખ્યાત લૂંટારુ પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. ડી. ચૌહાણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ડાબા પગમાં ગોળી વાગતા આરોપી સ્થળ પર જ ઢળી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ 11 મે, 2026ના રોજ પણ પોલીસે એક હત્યાના આરોપી પર ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની વિગતો મુજબ, પીઆઈ ડી. ડી. ચૌહાણની આગેવાનીમાં લિંબાયત પોલીસની ટીમ રાત્રિના આશરે ત્રણ વાગ્યે નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. નીલગીરી ગ્રાઉન્ડ પાસે અંધારામાં ઉભેલો એક શખસ પોલીસ વાન જોઈને ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસ સ્ટાફે તેનો પીછો કરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને દબોચી લેવાનો પ્રયાસ કરતા આરોપીએ કમરમાં છુપાવેલું ચપ્પુ કાઢી તેમના પેટ અને કમરના ભાગે હુલાવી દીધું હતું. કોન્સ્ટેબલ લોહીલુહાણ થતા પીઆઈ ડી. ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
તેમ છતાં આરોપી ખુલ્લા ચપ્પુ સાથે પીઆઈ પર પણ હુમલો કરવા ધસી આવતા સ્વબચાવમાં પીઆઈએ બીજો રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીના ડાબા પગમાં ગોળી મારી દીધી હતી. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં રડતા-કણસતા આરોપીને પોલીસ જાપ્તા હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં અને ઘાયલ કોન્સ્ટેબલ અનિલકુમારને ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પૂછપરછમાં હાલ લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતા આરોપી પરવેઝ અન્સારીએ કબૂલાત કરી હતી કે તેણે ગત વહેલી સવારે સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળી વરાછા, કતારગામ અને મહિધરપુરામાં લૂંટ ચલાવી હતી. પોલીસે તેની પાસેથી રૂૂપિયા 31,000ની કિંમતના 6 મોબાઈલ ફોન કબજે કરી ફરાર સાગરિત ગુડ્ડુને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
10 મહિનામાં 11 આરોપીઓ પર પોલીસનું ફાયરિંગ
રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરતા રીઢા ગુનેગારો સામે ગુજરાત પોલીસે આક્રમક વલણ અપનાવીને વર્ષ 2026ના માત્ર 10 મહિનામાં કુલ 11 આરોપીઓ પર ફાયરિંગ કરીને તેમને ઝડપી પાડ્યા છે. આ યાદીમાં સુરત અને અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3-3 પોલીસ ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ છે. સુરતમાં 8 મેના રોજ બેંક લૂંટના આરોપી શુભમ ઠાકુર, 11 મેના રોજ હત્યાના આરોપી રાહુલ જોગી અને 20 નવેમ્બરે લૂંટના આરોપી પરવેઝ મુશરફ અન્સારી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. અમદાવાદમાં 25 મેના રોજ હત્યાના પ્રયાસના આરોપી ધમા ભારડ, 2 જુલાઈએ હથિયારોની હેરાફેરી કરનાર મહંમદ કલીમ, 9 ઓગસ્ટે દુષ્કર્મના આરોપી ધર્મસિંહ અને 26 ઓક્ટોબરે રિવરફ્રન્ટ ખાતે ડ્રગ્સની હેરાફેરી કરનાર કફીલ અહેમદ પર ફાયરિંગ થયું હતું. આ ઉપરાંત વડોદરામાં 23 જૂને હત્યાના આરોપી અજય રાઠોડિયા અને 20 જુલાઈએ અપહરણ-હત્યાના આરોપી સુરેશ પરમાર, જ્યારે 16 ઓક્ટોબરે રાજકોટમાં હત્યા-લૂંટના આરોપી અનુરાગ રાજપૂત અને સાયલામાં હત્યા, લૂંટ, ખંડણીના આરોપી દેવેન્દ્ર બોરીયાને પોલીસે ફાયરિંગ કરીને દબોચી લીધા હતા.
