સુરતમાં ટોળકીનો આતંક, પાંચ સ્થળે રાહદારીઓ-વાહનચાલકોને છરી ઝીંકી લૂંટ

સુરત શહેરમાં આજે બિહારવાળી થઇ હોય તેમ વહેલી સવારે લૂંટની એક પછી એક 5 ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાઈક…

સુરત શહેરમાં આજે બિહારવાળી થઇ હોય તેમ વહેલી સવારે લૂંટની એક પછી એક 5 ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર લોકો પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. એક ઘટનામાં લૂંટારુઓએ ચાકુ મારીને મોબાઈલ લૂંટી લીધો હતો.શહેરમાં કુલ 5 સ્થળોએ લૂંટની ઘટનાઓ બની હતી. જેમાં વરાછામાં 2, મહિધરપુરામાં 2 અને કતારગામમાં 1 ઘટના નોંધાઈ છે.

આરોપીઓએ અલગ-અલગ સ્થળોએ 5થી વધુ રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. લૂંટ દરમિયાન કેટલાક લોકોએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ તેમના પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાઈક પર આવેલા શખ્સોએ ચાકુ મારી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે વરાછા શિવપાર્ક, લાભેશ્વર, મહિધરપુરાની આયુર્વેદિક કોલેજ અને સુમુલ ડેરી રોડ તેમજ કતારગામ ગજેરા સર્કલ પર આ ઘટના બની હતી.

ઘટનાઓની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક જ સવારે પાંચ સ્થળોએ બનેલી લૂંટની ઘટનાઓને પગલે શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *