શહેરમાં યુવાધન નશાના વિષચક્રમાં ન ફસાય તેમજ માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને સેવન સંપૂર્ણપણે અટકાવી શકાય, તે હેતુથી એસઓજી દ્વારા “”SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત ડ્રગ્સની હેરાફેરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઝુંબેશના ભાગરૂૂપે રાજકોટ શહેરની એન્ટી નાર્કોટીક્સ વિંગે મોટી સફળતા મેળવીને રૂૂ.38 હજારના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પેડલરને ઝડપી પાડ્યો છે.
એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઇન્સપેક્ટર બી. બી. જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન. બી. ચૌધરીની રાહબરી હેઠળ અને પીએસઆઈ વી. વી. ધ્રાંગુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ શાંતિનીકેતન મેઈન રોડ પર, શાંતીનીકેતન ગેટની અંદર, આકૃતિ ઓરા એપાર્ટમેન્ટ આગળ જાહેર રસ્તા પર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાનો હતો.
બાતમી મળતા જ એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે ઉક્ત સ્થળે તુરંત પહોંચીને વોચ ગોઠવી એકટીવા નંબર જીજે-03-એલકયું-0096 લઈને નીકળેલા રૈયાધાર, દશામાના મંદિર પાસે, મફતીયાપરામાં રહેતા રોહિત ઉર્ફે પિયુષ પરેશભાઈ ડાભી (ઉંવ26)ને રૂૂ. 34,800 નું 11.60 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂૂ.85,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એફ.એસ.એલ. અધિકારી એસ. જે. જોષી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી ડ્રગ્સ અંગેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રોહિત ઉર્ફે પિયુષ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંકળાયેલો છે. તેનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે ગાંધીગ્રામ-2માં પ્રોહિબિશન , રાયોટિંગ અને મારામારી તેમજ ધાડનો ગુનો નોંધાયેલ છે.
