બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપનું વહન, એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થો મળી આવ્યો
ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે તા. 30ના રોજ નિકાવા-કાલાવડ રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ત્રણ ડમ્પર અટકાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બે ડમ્પરમાં બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય એક ડમ્પરમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ એટલે કે ઓવરલોડ વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ડમ્પર સહિત આશરે રૂૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભોલેનાથ સ્ટોન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.
ત્યારબાદ ખનીજ વિભાગ, જામનગર દ્વારા જપ્તીની કાર્યવાહી કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ખનીજ વિભાગની તપાસ ટીમના નિખીલભાઈ તથા નૈતિકભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
