ખંભાળિયા શહેરના જુના અને જાણીતા પીઢ રઘુવંશી એવા કિશોરભાઈ લાલનું ગત મોડી સાંજે દર્શન કરવા જતા મોટરકારની ઠોકરે કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ કમકમાટી ભર્યા બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠકજી પાછળ આવેલી શ્રીજી સાનિધ્ય સોસાયટી ખાતે રહેતા અને રઘુવંશી જ્ઞાતિના પીઢ એવા કિશોરચંદ્ર પ્રભુદાસ લાલ (ઉ.વ. 72) તેમના ધર્મપત્ની સાથે ગઈકાલે બુધવારે સાંજના આશરે 6:30 વાગ્યાના સમયે તેમના ઘરેથી ચાલીને નીકળ્યા હતા. તેમના ઘરથી થોડે આગળ પહોંચતા આ માર્ગ પર ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 એમ. 8275 નંબરના એક કિયા મોટરકારના ચાલકે તેમને પાછળથી ઠોકરે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ ઘટના બાદ તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક કિશોરભાઈ લાલ ના પુત્ર ધવલભાઈ લાલ (ઉ.વ. 43) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કિયા મોટરકારના ચાલક સામે ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતનો આ બનાવ બનતા ખંભાળિયાના રઘુવંશી આગેવાનો, કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્યારે અહીંના પીઢ એવા કિશોરભાઈ લાલનું અકાળે નિધન થતા મૃતકના પરિવારજનો સાથે શહેરભરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
આ ઘટનાની જાણ થતા ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ તથા કિશોરભાઈ લાલના વર્ષો જૂના મિત્ર પરિમલભાઈ નથવાણીએ પણ ફોન મારફતે તેમના પરિવારજનો સાથે શોક વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષો સુધી તેમણે એક અગ્રણી સાંધ્ય દૈનિકમાં પત્રકાર તરીકે પણ લાંબો સમય સુધી સેવાઓ આપી હતી. આજરોજ બપોરે તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, આગેવાનો, કાર્યકરો અને જ્ઞાતિજનો જોડાયા હતા.
