વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે એક સનસનાટીભરી અને રક્તરંજિત ઘટના સામે આવી છે, જેમાં 38 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. વસુંધરા ગામે રહેતા વિરમભાઈ સામતભાઈ સરૈયા (ઉંમર વર્ષ 38) ગઈકાલે રાત્રિના સુમારે ગામમાં આવેલી તેમના મોટા ભાઈ લાલાભાઈની દૂધની ડેરી પર હાજર હતા, ત્યારે આ ચકચારી બનાવ બન્યો હતો. સામાન્ય દિવસોની જેમ વિરમભાઈ ડેરી પર બેઠા હતા ત્યારે અચાનક ઘસી આવેલા હુમલાખોરોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વસુંધરા ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ હત્યા પાછળ અગાઉ થયેલી જૂની અદાવત અને ખાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ વિરમભાઈના કુટુંબીક ભાઈ પ્રવીણ સાથે આરોપીઓને કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જે બાબતનો મનમાં ખાર રાખીને આરોપીઓ વેર વાળવાની ફિરાકમાં હતા. ગઈકાલે રાત્રિના આશરે નવ વાગ્યાના સુમારે જાલસિક્કા ગામના નિર્મળ ડાંગર, પરેશ ડાંગર, મુકેશ ડાંગર, માંડલ ડાંગર અને પ્રભાત લોખીલ સહિતના શખસો કાર લઈને દૂધની ડેરીએ ધસી આવ્યા હતા. આ શખસોએ ડેરીએ બેઠેલા વિરમભાઈ પર એકાએક છરી વડે તીક્ષ્ણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દેતા વિરમભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને મૃતદેહને વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી. મૃતક વિરમભાઈ પોતાના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમના હતા તથા સંતાનમાં તેમને બે દીકરાઓ છે. મોભીનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
