ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત, કંપનીના શેર હોલ્ડિંગમાં હિસ્સેદારી અને ડિપોઝીટના નામે રાજકીય નેતાઓનાં પરિવારજનોને શીશામાં ઉતાર્યા
રાજકોટમાં વિદેશી કોલસાના વેપારના નામે રૂૂ. 148 કરોડનું મહાકૌભાંડ આચરનાર હાઈપ્રોફાઈલ નેતાના જમાઈ સહિત ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટ સામે સામે ગુનો નોંધાયો છે. ઇન્ડોનેશિયન કોલસા આયાતના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરી રોકાણકારોની મિલકત બેંકમાં મોર્ગેજ કરી સીસી અને લોન લઇ લીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ રૂૂ. 148 કરોડનું મહાકૌભાંડની તપાસ શરૂૂ કરવામાં આવી છે. વિદેશી કોલસાના વેપારના નામે રોકાણકારો સાથે છેતરપિંડીમાં રાષ્ટ્રીય સહકારી નેતા જ્યોતિન્દ્ર મહેતાના જમાઈ જય ચોટલિયા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં ઈન્ડોનેશિયન કોલસાના આયાત અને વેપારમાં ટૂંકા સમયમાં મસમોટો નફો કમાઈ આપવાની ગુલાબી લાલચ આપી નિર્દોષ અને અગ્રણી રોકાણકારો સાથે આશરે રૂૂ. 144 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવાનું મસમોટું આર્થિક કૌભાંડની સત્તાવાર ફરિયાદ બાદ સમગ્ર રાજ્યના રાજકીય, નાણાકીય અને ખાસ કરીને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં તીવ્ર કંપન અનુભવાઈ રહ્યું છે. આ કૌભાંડમાં સહકારી ક્ષેત્રના અત્યંત પ્રભાવશાળી અને રાષ્ટ્રીય કક્ષાના દબંગ નેતા, ’સહકાર ભારતી’ ના ભૂતપૂર્વ પ્રમુખ તથા ’ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન’ ના વર્તમાન પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાના જમાઈ જય હર્ષદકુમાર ચોટલિયાની મુખ્ય આરોપી તરીકે સંડોવણી ખુલ્લી પડતાં સમગ્ર મામલો ભારે હાઈ-પ્રોફાઈલ બની ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, રાજકોટના સાઈનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 56 વર્ષીય વેપારી જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરીએ ’ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રાઈવેટ લિમિટેડ’ નામના સંસ્થાના સંચાલકો વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરાવી છે. વર્ષ 2021 દરમિયાન આરોપીઓ જય હર્ષદકુમાર ચોટલિયા (રહે. થલતેજ, અમદાવાદ), મિતેષ કિરીટકુમાર સંઘવી (રહે. રાજકોટ) અને મનીષ ગોવિંદભાઈ ડાંગી (રહે. ભાડજ, અમદાવાદ) એ એકસંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.
આરોપીઓએ જયેન્દ્રભાઈ અકબરી, અવધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અરવિંદભાઈ રામાણી તથા કેશુભાઈ બોદર સહિતના રાજકીય નેતા સાથે જોડાયેલા અગ્રણી વેપારીઓને આગામી 5 વર્ષમાં પોતાની કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂૂ. 1500 થી 2000 કરોડ સુધી પહોંચાડી દેવાના મનઘડંત ચિત્રો બતાવ્યા હતા. રોકાણ આકર્ષવા માટે આરોપીઓએ મુખ્યત્વે ત્રણ યોજનાઓ રજૂ કરી હતી જેમાં રોકાણકારોની કિંમતી જમીન-મિલકતો બેંકમાં ગિરવે (મોર્ગેજ) મૂકી કંપની માટે ધિરાણ લેવું તેમજ કંપનીના શેર્સમાં સીધું રોકાણ કરાવવું અને કંપનીમાં બાંધી મુદતની ડિપોઝિટ સ્વરૂૂપે સીધા નાણાં જમા કરાવવા.
ગઠબંધનના જાળમાં ફસાયેલા ફરિયાદી જયેન્દ્રભાઈએ પોતાની વડ વાજડી સ્થિત આશરે રૂૂ. 35 કરોડની જમીન અને કેશુભાઈ બોદરે પોતાની રૂૂ. 7.60 કરોડની જમીન ’ધી કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિમિટેડ’ માં ગિરવે મુકાવી આપતા કંપની માટે રૂૂ. 40 કરોડની કેશ ક્રેડિટ મંજૂર થઈ હતી. આ સિવાય અન્ય રોકાણકારો પાસેથી પણ શેર તથા ડિપોઝિટના નામે કરોડો રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. રોકાણકારો પાસેથી મેળવેલી માતબર રકમનો ઉપયોગ કોલસાના વાસ્તવિક વેપારમાં કરવાને બદલે આરોપીઓએ પોતાના અંગત સ્વાર્થ અર્થે ’ફંડ સાયફનિંગ’ (નાણાંની ઉચાપત) કર્યું હતું. તપાસમાં બહાર આવ્યા મુજબ આરોપીઓએ ‘PROP CORPORATE MENTOR PVT. LTD.’ નામની એક બોગસ શેલ કંપની ઊભી કરી તેમાં નાણાં ડાયવર્ટ કર્યા હતા. ત્યાંથી મની લોન્ડરિંગના માર્ગે વિદેશમાં સ્થિત પોતાની જ અન્ય કંપની ‘SEVEN MINERALS PTE. LTD.’ માં નાણાં ટ્રાન્સફર કરી ’ફેમા’ (FEMA) કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા.
આ સિવાય ’ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ સહિત અન્ય બેંકોમાંથી લેવાયેલી લોન ભરપાઈ ન કરાતાં બેંકો દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં બોગસ સ્ટોક ઓડિટ અને બનાવટી ખરીદ-વેચાણના આંકડાઓ પકડાયા હતા. આ ગંભીર નાણાકીય ગેરરીતિઓને પગલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ આ કંપનીના એકાઉન્ટને ’રેડ ફ્લેગ’ જાહેર કર્યું હતું, જ્યારે એચડીએફસી અને એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ફ્રોડ મોનિટરિંગ સેલમાં આ ખાતાઓને ’ફ્રોડ એકાઉન્ટ’ તરીકે રિપોર્ટ કર્યા છે.
જે તે સમયે બેંકોના નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયેલી કંપની વિરુદ્ધ બેંક દ્વારા આર્બિટ્રેશન કેસ કરવામાં આવતાં ભોપાળું બહાર આવ્યું હતું. તા. 15/11/2023 ના રોજ લોન રિન્યુઅલ માટે મૂકાયેલા દસ્તાવેજોમાં ફરિયાદી તેમજ જામીનદારો અરવિંદભાઈ રામાણી અને રસીકભાઈ બોદરની ગેરહાજરીમાં જ તેમની બોગસ અને બનાવટી સહીઓ કરી લેવાઈ હતી.
બીજી તરફ, કંપનીના ડિરેક્ટર મનીષ ડાંગીએ કંપનીના ભંડોળનો ઉપયોગ કરી અમદાવાદમાં પોતાના અને પરિજનોના નામે કરોડોની મિલકતો વસાવી હતી અને તેના પર કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂૂ. 20 કરોડની લોન લીધી હતી. આ લોનના હપ્તા પણ ’ટર્નરેસ્ટ’ કંપનીના ખાતામાંથી ચૂકવાયા હતા અને બાદમાં નજીવી રકમમાં બેંક સાથે સેટલમેન્ટ કરી કરોડોની મિલકત પચાવી પાડવામાં આવી હતી.
રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલમાં આ કેસ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા તેમજ થાપણદારોના હિતોના રક્ષણ માટેના વિશેષ કાયદા ’ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ, 2003’ ની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગંભીર ગુનાહિત કાવતરામાં કલમ 338 નો સમાવેશ અત્યંત મહત્વનો છે, આ ઉપરાંત GPID એક્ટ હેઠળ રાજ્ય સરકાર આરોપીઓની તમામ મિલકતો ટાંચમાં લેવા સક્ષમ છે.
પોતાની ગિરવે મૂકેલી જમીનો છોડાવવા માટે મજબૂરીવશ રોકાણકારોએ પોતે એચડીએફસી બેંકમાં રૂૂ. 41 કરોડ જમા કરાવવા પડ્યા છે. કુલ રૂૂ. 148 કરોડથી વધુની રકમ ગુમાવનાર ભોગ બનનારાઓએ આ હાઈ-પ્રોફાઈલ આર્થિક કૌભાંડીઓ વિરુદ્ધ પોલીસ, આર્થિક ગુના નિવારણ શાખા અને ઇડી દ્વારા નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ કરી છે.
