ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખી

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી…

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ બાદ મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ પરડવા ગામના વિરમભાઇ ભીખાભાઇ ગોઢાણીયાની પત્ની લીલુબેન ઉપર બ્લેકમેઇલ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ આરોપના આધારે રણમલભાઇ ઉર્ફે કારાભાઇ ભીમાભાઇ પરમારે અરજણભાઇ કેશુભાઇ પરમાર તથા નાગાભાઇ કેશુભાઇ પરમારને લીલુબેનના ઘરે મોકલ્યા હોવાનો આક્ષેપ છે. બંને શખ્સોએ લીલુબેનને પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી અને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ગાળો આપી ગામ છોડીને જતા રહેવા જણાવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવથી લાગી આવતા લીલુબેને પોતાના રહેણાંક મકાનની છતની હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં રણમલભાઇ ઉર્ફે કારાભાઇ ભીમાભાઇ પરમાર, અરજણભાઇ કેશુભાઇ પરમાર અને નાગાભાઇ કેશુભાઇ પરમાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 સહિતની કલમો અને જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. ઓડેદરા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *