જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 ઊંટની જેતપુર-શાહપુર વીજ લાઈન નાખવાના નામે જૂનાગઢ તાલુકાના વડધવી, માખીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જમીનમાં મહાકાય વીજ થાંભલા ખડકી દેવાયા હતા.
ખેડૂતો દ્વારા કરાયેલી RTIમાં ખુલાસો થયો છે કે, 37 વર્ષ પહેલાં ખેડૂતોની કોઈપણ જાતની લેખિત મંજૂરી કે પરવાનગી વિના આ પોલ ઊભા કરાયા હતા અને વળતર ચૂકવાયું છે કે નહીં તેનો કોઈ રેકોર્ડ પણ કંપની પાસે નથી. આ મામલે રોષે ભરાયેલા ખેડૂતોએ 90 દિવસમાં ભાડું અને વળતર ન ચૂકવાય તો કટર મશીનથી થાંભલા કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી છે.
વડધવી ગામના ખેડૂત ધર્મેશ પટોળિયા દ્વારા 220 KV જેટકો લાઈન અંગે કરવામાં આવેલી RTI અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેતપુરથી શાહપુર અને કેશોદ સુધી જતી આ લાઈન માટે ખેડૂતોની સંમતિ લેવાઈ હતી કે કેમ અથવા આ લાઈન કેટલા સમય માટે નાખવામાં આવી હતી તેનો કોઈ જ દસ્તાવેજી પુરાવો વીજ કંપની પાસે નથી. આ સત્ય સામે આવ્યા બાદ જેતપુર અને જૂનાગઢ તાલુકાના અંદાજે 10 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી જમીનનું યોગ્ય ભાડું અને વળતર મેળવવા કાયદાકીય લડતની તૈયારી શરૂૂ કરી છે.
માખીયાળા ગામે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 1987માં તત્કાલીન સરકારે ખેડૂતોના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈને મંજૂરી કે વળતર આપ્યા વગર આ લાઈન ઊભી કરી દીધી હતી. તેમણે ખેડૂતોને સાવચેત કરતાં કહ્યું કે આ આંદોલનમાં આપ કે અન્ય કોઈપણ રાજકીય પક્ષોને પ્રવેશવા ન દેવા જોઈએ. રાજકીય નેતાઓ માત્ર સ્વાર્થ જોતા હોય છે, તેથી ખેડૂતોએ માત્ર ખેડૂત બનીને લડત આપવી પડશે.
